Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતલપુર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સાઇકલ યાત્રાને પ્રસ્થાન કારાવ્યુ

ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સાઇકલ યાત્રા રાઇડ ફોર ટોબેકો ફ્રિ જનરેશન કાર્યક્રમનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : 4 ફેબ્રુઆરી એટલે કે “વર્લ્ડ કેન્સર ડે” નિમિતે ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સાઇકલ યાત્રા રાઇડ ફોર ટોબેકો ફ્રિ જનરેશન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સાઇકલ યાત્રા તારીખ 1લી ફેબ્રુઆરી, 2021 અમદાવાદ સાબરમતી આશ્રમથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની પૂર્ણાહુતિ  4 ફેબ્રુઆરી, 2021ના રોજ નવસારી ખાતે દાંડી બીચ પર કરવામાં આવશે. તમાકુનું સેવન અને તેના સેવનથી થતાં કેન્સરનું પ્રમાણ ઘટાડવા , 2030 સુધીમાં ટોબેકો ફ્રી જનરેશન બનાવવા સંસ્થા 4 ફેબ્રુઆરી 2021 થી શરૂ કરી 31 મી મે , 2021 એટલે વર્લ્ડ નો ટોબેકો ડે સુધીમાં ગુજરાત રાજ્યની તમામ શાળાઓ  “ટોબેકો ફ્રી એડ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ" જાહેર કરવા માટેની ઝુંબેશ હાથ ધરશે તેવા ઉદેશ્યો સાથે સાઇકલ યાત્રા શરૂ કરવામાં આવી છે

 . આ સાઇકલ યાત્રા અમદાવાદ જીલ્લાના જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમાર દ્વારા લીલી ઝંડી દેખાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ, ડૉ.અલ્પેશ પટેલ, ડૉ.મીનળ પટેલ, ફેઇથ ફાઉન્ડેશનના સ્વયંસેવકો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમારે જણાવ્યુ હતુ કે, દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા  અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે.તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય,ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી,  શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.

(8:29 pm IST)