Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વસ્ત્રાલમાં ભેંસના બચ્ચાના મારણ :વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા મુકાયા : લોકોમાં ભારે ભય

વન વિભાગ દ્વારા આસપાસના તમામ ગામોમાં દિપડાની શોધખોળ

અમદાવાદના વસ્ત્રાલમાં ભેંસના બચ્ચાનું મારણ કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. આ બનાવની જાણ વનવિભાગને થતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્રણ પાંજરા મુકી દીપડા કે અન્ય જંગલી પશુને પાંજરે પૂરવા માટે તેને ક્યાં મૂકવા તેની તજવીજ હાથ ધરી છે.

ગઈકાલે રવિવારની રાત્રે એક અજાણ્યા વાહન અડફેટે દિપડાનું મોત થયું હતું. બનાવને લઈ વનવિભાગ દોડતું થઈ ગયું હતું. આસપાસના તમામ ગામોમાં દિપડાની શોધખોળ પણ હાથ ધરી છે. જો કે, ખેતરોમાં દિપડાના અલગ અલગ પંજાઓના નિશાન મળતા આસપાસના રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આજે શહેરના વસ્ત્રાલમાં ભેંસના બચ્ચાનું મારણ થતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે

વનવિભાગે ભેંસના બચ્ચાને પીએમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આ ભેંસના બચ્ચાનું મારણ દીપડાએ કર્યું છે કે કોઈ અન્ય જંગલી પ્રાણીએ ક્યું છે તે અંગે તપાસ ચાલી રહી છે. મારણ કર્યાના આસપાસના વિસ્તારમાં જંગલી પ્રાણીના પગના નિશાન પણ જોવા મળ્યા છે. વન વિભાગની ટીમ ભેંસના બચ્ચાના મારણ બાદ દીપડાને પાંજરે પૂરવા માટે વસ્ત્રાલ ખાતે 3 પાંજરા લઇ આવી પહોંચી છે. દીપડા કે અન્ય જંગલી પશુને પાંજરે પૂરવા માટે તેને ક્યાં મૂકવા તેની તજવીજ હાથ ધરી છે

શહેરમાં રિંગ રોડ પરની સનાથલ ચોકડી પાસે એક દીપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હતું. જેના પગલે હાલ વન વિભાગમાં ભારે દોડધામ મચી જવા પામી છે. વન વિભાગની ટીમને સનાથલ ચોકડી આસપાસના ખેતરોમાં દીપડાના પંજાના અલગ અલગ નિશાન મળ્યાં છે. અમદાવાદમાં કેટલા દીપડા છે તેની તપાસ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે

અમદાવાદમાં સરખેજ- ગાંધીનગર હાઈવે પર સ્થિત સનાથલ ચોકડી પાસે રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરથી દીપડાનું મોત નીપજ્યું હતું. રસ્તા પર દીપડાને ઢળી પડેલો જોતાં જ વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. વન વિભાગની ટીમે તપાસ કરતાં આસપાસના ખેતરોમાંથી દીપડાના અલગ અલગ પંજાના નિશાન મળી આવ્યાં હતાં. ત્યાં ભીની માટી હોવાથી દીપડાના પંજાના નિશાન સ્પષ્ટ દેખાઈ આવ્યાં હતાં. વન વિભાગની ટીમને એક કરતાં વધુ દીપડા અમદાવાદમાં ફરતાં હોવાની શંકાઓ છે

(8:36 pm IST)