Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા પોલીસકર્મીઓ સંપૂર્ણ સ્વસ્થ

કેટલાક મહિલા પોલીસકર્મીઓને સામાન્ય તાવ અને માથુ દુખાવાની ફરિયાદ : કોવિડની રસી બાદ ગંભીર આડઅસર જોવા મળી નથી

અમદાવાદ : કોરોના રસીકરણના બીજા તબક્કામાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓએ કોરોનાની રસી લીધી હતી, તેમાંથી કેટલાક મહિલા પોલીસકર્મીઓને સામાન્ય તાવ અને માથુ દુખાવાની ફરિયાદ આવી હતી. તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યા હતા. તેઓ હવે દવા લઇ પોતાની એકેડમીમાં પરત ફર્યા છે. આ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ સ્પષ્ટતા કરી છે કે પોલીસ એકેડમીમાંથી આવેલા મહિલા પોલીસકર્મીઓને કોવિડની રસી બાદ ગંભીર આડઅસર જોવા મળી નથી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીએ જણાવ્યું છે કે શહેરની વિવિધ પોલીસ એકેડમીમાંથી આવેલા મહિલા પોલીસકર્મીઓને કોવિડની રસી બાદ ગંભીર આડઅસર જોવા મળી નથી. તેમણે ઉમેર્યું કે, આ મહિલા પોલીસકર્મીઓમાંથી કેટલાક મહિલા પોલીસકર્મીઓ સામાન્ય અસર થઈ હતી તેથી તે સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવા આવ્યા હતા, તે દવા લઈ પોતાની એકેડમીમાં પરત ફર્યા છે.

ડો.મોદીએ તમામ પોલીસકર્મીઓ અને હેલ્થ વર્કરોને રસી લેવા માટે અપીલ કરતા કહ્યુ કે, કોરોનાની રસી બાદ સામાન્ય તાવ આવવો અને માથુ દુખાવાની ફરિયાદ રહેતી હોય છે, પણ તેનો કોઈએ ડર રાખવાની જરૂર નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, અમારી સિવિલ હોસ્પિટલના 3,500થી વધુ આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, પણ તેમાંથી અત્યારસુધી કોઈને પણ આડઅસર જોવા મળી નથી.

તેમણે જનતાને હૈયાધારણ આપતા કહ્યું કે, વેક્સિન લીધા બાત જો ઉપરોક્ત તકલીફ સિવાયની અન્ય કોઈ તકલીફ જણાય તો ચોક્કસ તબીબી તપાસ કરાવવી જોઈએ. પણ ખોટો ભય રાખવાની જરુર નથી. તેમણે કહ્યું કે, કોવીશિલ્ડ વેક્સિનના અત્યંત સફળ પરિણામો જોવા મળ્યા છે અને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. તેમણે અનુરોધ કર્યો કે તમામ ફ્રંટલાઈન વર્કરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ સુરક્ષિત બનવું જોઈએ

ડો. મોદીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સોમવારે ( 1 ફેબ્રુઆરી,2021)એ 889 વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જેમાં 606 હેલ્થવર્કર્સ અને 283 ફ્રંટલાઈન કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં 11 દિવસના અંતે વેક્સિન લેનારની કુલ સંખ્યા -3553 થઈ છે, તેમજ 710 પોલીકર્મીઓએ બે દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લીધી છે

(1:08 am IST)