Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન તો કર્યું : પરંતુ કમનસીબે અહીં કોંગ્રેસનો કોઇ ઉમેદવાર જ ન્હોતો

હાર્દિકે મતદાન કર્યા પછી કહ્યું અહીં જે કામ કરવાની વાત કરે તેને મત આપ્યો છે

અમદાવાદ,તા.૧: કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા. પરંતુ જયાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-૨માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે. આ કારણે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષને મત આપી શકયા ન હતા.

જોકે આ અંગે હાર્દિકને જયારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આ અંગે વાત કરતા હાર્દિક પટેલે જવાબ આપતા કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં અપક્ષ સભ્યોની પેનલ પહેલાથી ઊભતી આવે છે. જે વ્યકિત વિરમગામ વિસ્તારના વિકાસની વાત કરતા હશે તેને જ મારો મત આપ્યો છે. અહેવાલો મુજબ હાર્દિકે વોર્ડ- ૨માં ઊભા રહેલા અપક્ષ ઉમેદવારને મત આપ્યો છે. કારણ કે પોતાના ઉમેદવાર ન ઉભી રાખી શકનારી કોંગ્રેસ પાર્ટીએ અહીં અપક્ષ પેનલનું સમર્થન કર્યું છે. હાર્દિકે કહ્યું હતું કે જે જનતાની સેવા કરતા હશે તેને અમારો ટેકો રહેશે.

આ ઉપરાંત પોતે મતદાન કર્યા પછી લોકોને મત આપવાની અપીલ કરતા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, પ્રજા તંત્રમાં મત આપવો એ મોટું દાન છે. મત આપી લોકતંત્ર અને પ્રજાતંત્ર મજબૂત કરવા લોકોએ મતદાન કરવા બહાર નીકળવું જોઇએ. મહાનગરપાલિકામાં મતનું પ્રમાણ ઘટ્યું હતું પરંતુ ગ્રામીણ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે.

હાર્દિક પટેલ કોંગ્રેસ માટે મતદાન ન કરી શકયા તે મુદ્દે વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને વિરમગામમાં ઉમેદવાર નથી મળ્યા. હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર નથી. હાર્દિક પટેલ સમાજની વાત કરે છે, ત્યારે એકપણ પાટીદારને ટિકિટ ના અપાવી શકયા. વિરમગામ વિધાનસભામાં આવતી જિલ્લા પંચાયતની ૮ બેઠકોમાંથી એકપણ પાટીદાર નથી. કોંગ્રેસે પાર્ટી પાટીદારોને ન્યાય નથી આપી શકી તે હકીકત છે.

(10:19 am IST)