Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પેટલાદ તાલુકાના સુણાવ ગામની કાસોર ચોકડી નજીક કારે બાઇકને હડફેટે લેતા એક શખ્સનું ઘટનાસ્થળેજ મોત

આણંદ: જિલ્લામાં રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. પેટલાદ તાલુકાના સુણાવ ગામની કાસોર ચોકડી નજીક એક ઈકો કારે ટુવ્હીલરને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. સાથે સાથે બોરસદ નજીકના વહેરા ગામ પાસે નવા બની રહેલ ઓવરબ્રીજ નજીક એક ટ્રેક્ટરની અડફેટે મોટરસાયકલ ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નડિયાદ ખાતે રહેતા દિપકભાઈ આત્મારામભાઈ પુરબીયા (ઉં.વ.૫૮) ગઈકાલે પેટલાદ ખાતે રહેતા દિપકભાઈ ગોવિંદભાઈ જાદવ સાથે ટુવ્હીલર ઉપર સવાર થઈને કામકાજ અર્થે આવ્યા હતા. બપોરના સુમારે તેઓ સુણાવ ગામની સીમમાં આવેલ કાસોર ચોકડી નજીકથી પાસર થઈ રહ્યા હતા ત્યારે તારાપુર તરફથી આવી ચઢેલ એક ઈકો કારના ચાલકે ટુવ્હીલરને જોરદાર ટક્કર મારતા બંને જણ ટુવ્હીલર સાથે ઉછળીને રોડની સાઈડમાં આવેલ ગટરમાં પડયા હતા. આ અકસ્માતમાં પેટલાદના દિપકભાઈ ગોવિંદભાઈ જાદવને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે દિપકભાઈ પુરબીયાને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમને થતાં જ પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે દિપકભાઈ પુરબીયાની ફરિયાદના આધારે પોલીસે કારચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના ઘુંટેલી તાબે ઢેબાકૂવા પાસે રહેતો ૨૦ વર્ષીય ગોવિંદ દેવજીભાઈ ઠાકોર રવિવાર સાંજના સુમારે મોટરસાયકલ લઈને બોરસદ ખાતે રહેતા પરિવારજનની તબિયત જોવા માટે ગયો હતો. રાત્રિના સુમારે ઘુંટેલી આવવા પરત નીકળ્યો હતો. દરમ્યાન બોરસદ તાલુકાના વ્હેરા ગામ નજીક નવા બની રહેલ ઓવરબ્રીજ પાસેથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ટ્રેક્ટરના ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા ગોવિંદ ઉછળીને રોડ ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં તેને જીવલેણ ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

(5:57 pm IST)