Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ર૯૩૮ શિક્ષણ સહાયકોનું નવનિયુકત માનવબળ જોડાયું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિમણૂંક પત્રો એનાયત કર્યા-શિક્ષણ મંત્રી-શિક્ષણ રાજ્ય મંત્રીની ઉપસ્થિતી:રાજ્ય સરકારે એક દાયકામાં ૧૪ હજાર શિક્ષકોની ભરતી કરી:શિક્ષકનો વ્યવસાય મની મેકીંગ નહિં-નોબેલ પ્રોફેશન છે :વિજયભાઈ રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતરમાં માતા-પિતા કરતાં ઉંચું સ્થાન શિક્ષક સમુદાયનું છે તે તમારા કતૃત્વથી વધારે દૈદિપ્યમાન બનાવવાનું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં પણ ‘‘ગુરૂ ગોવિંદ દોનો ખડે...’’ ઊક્તિ પ્રચલિત છે. એટલે કે ગુરૂની કૃપા તેની જ્ઞાન પુરૂં પાડવાની ક્ષમતાથી જ ગોવિંદના પણ દર્શન થઇ શકે છે.
મુખ્યમંત્રીએ શિક્ષકના વ્યવસાયને નોબેલ પ્રોફેશન ગણાવતાં એમ પણ કહ્યું કે, આ વ્યવસાય મની મેકિંગ નથી પરંતુ સમાજની ઉચ્ચ સંસ્કાર યુકત ચારિત્ર્યવાન ભાવિ પેઢીનું ઘડતર કરવાનું ઉત્તમ સેવાદાયિત્વ આ વ્યવસાય પુરૂં પાડે છે.
તેમણે જણાવ્યું કે રાજ્યની શાળાઓમાં કોરોના દરમ્યાન શાળાઓ બંધ હતી પણ શિક્ષણ નહિ, શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને કોઇ વિષયોના અભ્યાસમાં તકલીફ કે રૂકાવટ ન આવે તે હેતુસર રાજ્ય સરકારે કોરોના સંક્રમણના કાળમાં પણ ફેઇસ લેસ પેપર લેસ-ટ્રાન્સપેરન્ટ ભરતી પ્રક્રિયા હાથ ધરી આ નવનિયુકત શિક્ષકોનું ચયન-પસંદગી ગુણવત્તાના ધોરણે કરી છે. શિક્ષણ વિભાગને આ માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઉમેર્યુ કે, પાછલા એક દસક-૧૦ વર્ષમાં રાજ્યની શાળાઓમાં ૧૪ હજાર જેટલા શિક્ષકોની ભરતી આ સરકારે કરી છે.
  વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, ઓનલાઇન શિક્ષણનો નવતર અભિગમ અપનાવી રાજ્ય સરકારે કોરોના દરમ્યાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની પણ કાળજી લીધી છે. શિક્ષક સમુદાય કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં પણ કોરોના વોરિયર્સ તરીકે જોડાયો તેની તેમણે પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવનિયુકત શિક્ષકોને શિખ આપતાં કહ્યું કે, આપણે એવી ભાવિ પેઢી તૈયાર કરવી છે જે ભારતને પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાનું આત્મનિર્ભર ભારત, વિશ્વગુરૂ ભારત બનાવે.
એટલું જ નહિ, મોરલ બાઇન્ડીંગ સાથેના એજ્યુકેશનથી રાષ્ટ્રનિર્માણમાં સિંચિત અને ચારિત્ર્યવાન સાથે પડકારો ઝિલવા સજ્જ પેઢીના ઘડવૈયા બનવાનું ઉમદા સેવાદાયિત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે ગાંધીનગરમાં પાંચ નવનિયુકત શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટરો દ્વારા આવા નિયુક્તિ પત્રો અર્પણ થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ વિડીયો લીન્ક દ્વારા જિલ્લા સ્તરે પણ પ્રસારિત થયો હતો.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યવ્યાપી બ્રીજકોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે, માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થિઓને પાછલા ધોરણના મુખ્ય વિષયોના અગત્યના પ્રકરણો સમજાવવા માટે આ બ્રીજકોર્સ આવશ્યક છે.
તેમણે કહ્યું કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શીખવાની અને શિક્ષકને પ્રત્યક્ષ શીખવાડવાની આદત હોય છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહ્યા છે અને માસ પ્રમોશન પણ મેળવ્યું છે ત્યારે શિક્ષકો બ્રીજકોર્સ થકી વિદ્યાર્થિઓને નવા વિષયો ભણવા માટે સજ્જ બનાવે તે જરૂરી છે. આજે જે વિદ્યાર્થી અગિયારમા ધોરણમાં છે તેણે ધોરણ ૯ અને ધોરણ ૧૦ની પરીક્ષા આપી નથી. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે બ્રીજ કોર્સ અતિ ઉપયોગી બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.  
શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે મેનપાવર મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવમેન્ટ રાજ્ય સરકારનો સંકલ્પ છે ત્યારે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૧૮૦૦ શિક્ષણ સહાયકોને નિમણૂંક હુકમ આપી દેવામાં આવ્યા છે અને આજે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિમણુંક હુકમ એનાયત થયા છે. આ નિમણુંકને પરિણામે રાજ્યમાં ટીચર સ્ટુડન્ટ રેશીયો ૩૦:૧ થી પણ ઓછો આવશે.
મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે પ્રતિનિધિ શિક્ષકોને નિમણૂંક હુકમ એનાયત કર્યા હતા. પસંદગી પામેલ શિક્ષકો પૈકી ૨ શિક્ષકોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રતિભાવોમાં આદિજાતિ ક્ષેત્ર છોટાઉદેપૂર જિલ્લામાં નવી નિમણૂંક મેળવનારા પૃથ્વીરાજસિંહે આટલી પારદર્શીતા અને ગુણવત્તાના ધોરણે થયેલી ભરતી માટે મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, સંયુક્ત નિયામક એચ. એન. ચાવડા ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટરઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને નિમણૂંક પામેલા શિક્ષણ સહાયકો વર્ચ્યુઅલ માધ્યમથી આ

(7:09 pm IST)