Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વડોદરા :દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાતા ફરાર આરોપી નવલ ઠક્કર પોલીસ સમક્ષ હાજર થયો

જાણીતા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલ નવલ ઠક્કર ઉપર લાગ્યો દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ;19 વર્ષની પુત્રીના પિતાએ જેપી રોડ પોલીસ મથકે નવલ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વડોદરામાં 19 વર્ષીય યુવતી ઉપર બળાત્કાર ગુજારવાના આરોપસર વડોદરા પોલીસે આખરે જાણીતા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલ નવલ ઠક્કરને અટકાયતમાં લઈ લીધો છે. પરંતુ નિયમ અનુસાર તેના સ્વાસ્થ્યની ચકાસણી દરમિયાન કોવિડ પોઝિટિવ આવતા એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો છે. જેમાં વડોદરાના જાણીતા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલ નવલ ઠક્કર ઉપર લાગ્યો છે તેની ઉંમરથી અડધી ઉંમરની દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. જેમાં 19 વર્ષની પુત્રીના પિતાએ જેપી રોડ પોલીસ મથકે નવલ ઠક્કર વિરુદ્ધ ગત 28મી એ ફરિયાદ નોંધાવી છે કે નવલ ઠક્કરે તેઓની દીકરીને પ્રેમજાળમાં ફસાવીને વિવિધ સ્થળો ઉપર લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો છે.

બે દિવસ પૂર્વે જે.પી. રોડ પોલીસ મથકે નોંધાયેલી આ ફરિયાદની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશથી ગોત્રી પોલીસ મથકના પીઆઇ કરી રહ્યા હતા. જેમાં ફરિયાદ નોંધાતાની સાથે જ ભૂગર્ભમાં ઊતરી ગયેલા નવલ ઠક્કરને શોધવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત પીસીબી ડીસીબી અને શી ટીમને પણ કાર્યરત કરવામાં આવી હતી, જયારે સતત પ્રેશર વધતા તે ગઈકાલે રાત્રે પોતાના વકીલ સાથે ગોત્રી પોલીસ મથકે તપાસ અધિકારી સમક્ષ હાજર થયો હતો. પરંતુ વડોદરા મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી રાધિકા બરાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે નવલ ઠક્કર અંબાજીથી તે વડોદરા આવી રહ્યો હતો ત્યારે તેને વડોદરામાંથી જ ઝડપી પાડવામાં આવ્યો.

એસીપીએ આ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજી તેનાથી થોડી મિનિટો પૂર્વે મીડિયા સમક્ષ રજૂ કરાયેલ નવલ ઠક્કરે પોતાની સામેના તમામ આરોપો ફગાવ્યા હતા, બંને વચ્ચે બંને ની ઈચ્છા થી સંબંધ બંધાયેલ છે, દુષ્કર્મ ગુજરેલ નથી, અને સમય આવે બધું સામે આવી જશે તેવું મીડિયા ને જણાવ્યું હતું. દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ ત્યારથી અનેક અટકળો વડોદરામાં ચાલતી હતી કે ફરિયાદમાં કરાયેલા આક્ષેપો કેટલા સાચા અને કેટલા જુઠા, સાથે જ બિલ્ડર નવલ ઠક્કરની રંગીન લાઈફ વિશે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી, જોકે યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ CRPC164 મુજબ નોંધાવેલ નિવેદન માં શુ કેફિયત વર્ણવી છે તેના પર સમગ્ર કેસની મજબૂતાઈ ટકેલ છે.

પોલીસ દ્વારા નિયમ અનુસાર નવલ ઠક્કરનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો છે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની રીતે ધરપકડ કરવામાં આવશે અને આગળની કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે

 

(11:52 pm IST)