Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કાલથી પંચાયતના તલાટીઓની હડતાલ

હર ઘર તિરંગા અને આપત્તિ વ્‍યવસ્‍થાપનને લગતી કામગીરી ચાલુ રહેશે, બાકીના કામનો બહિષ્‍કાર

રાજકોટ જિલ્લાના ૩૭૦ સહિત રાજ્‍યના ૮૫૦૦ પંચાયત તલાટીઓ હડતાલ પર જવાથી પંચાયતની રોજિંદી કામગીરી ખોરવાશે : કોમ્‍પ્‍યુટર ઓપરેટરો પણ હડતાલમાં સાથે રહે તેવી શક્‍યતા : પ્રશ્નો ઉકેલવા સરકાર લેખિત ખાતરી આપે તો જ સમાધાન

રાજકોટ તા. ૧ : ગુજરાત રાજ્‍ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા કાલે તા. ૨ ઓગષ્‍ટથી રાજ્‍યવ્‍યાપી પંચાયતના તલાટીઓની હડતાલનું એલાન કરવામાં આવ્‍યું છે. રાજકોટ જિલ્લાના ૩૭૦ સહિત રાજ્‍યમાં ૮૫૦૦ જેટલા તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જશે. રાજ્‍યની પંચાયતોમાં કામ કરતા કોમ્‍પ્‍યુટર ઓપરેટરો (વી.સી.) પણ હડતાલમાં જોડાય તેવી શક્‍યતા છે. પંચાયતોમાં રોજિંદી કામગીરી સ્‍થગિત થઇ જવાના એંધાણ છે.

રાજ્‍ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજ મોદી અને ઉપપ્રમુખ ચિરાગ ગેરૈયા જણાવે છે કે, ગુજરાત રાજ્‍ય તલાટી મંત્રી મહામંડળના તમામ હોદ્દેદારો તથા તમામ જિલ્લા, તાલુકા તલાટી મંત્રી મંડળના પ્રમુખ, મહામંત્રી તથા રાજ્‍યના તમામ તલાટી મંત્રીશ્રીઓને જણાવવાનું કે, ગુજરાત રાજ્‍ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સને ૨૦૧૮થી સતત લેખીત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા આપણા પડતર પ્રશ્નોનું યોગ્‍ય નિરાકરણ લાવવામાં આવેલ નથી. આ અગાઉ આપણે તા. ૭-૯-૨૦૨૧ના રોજ હડતાલનું એલાન કરેલ હતું પરંતુ એ સમયે સરકારે ટુંક સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાલ મોકૂફ રાખેલ. જે બાંહેધરીને ૯ માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આપણા એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા કાલે તા. ૨-૮થી ગુજરાત રાજ્‍યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્‍યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે.

રાજ્‍યના તમામ તલાટી કમ મંત્રીઓને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ અન્‍વયેની કામગીરી તથા તા. ૧૩ થી ૧૫ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્‍ટ્રધ્‍વજ પૂર્ણ માન સન્‍માન સાથે ફરકાવવાનો રહેશે. આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્‍કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો ગુજરાત રાજ્‍ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવે છે.

(11:39 am IST)