Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વડોદરામાં પોતાના જ સંબંધીની યુવતિને લગ્નની લાલચ આપીને દુષ્‍કર્મ ગુજારનાર નવલ ઠક્કર ઝડપાયો

ગાડી બગડી જતા બસમાં વડોદરા આવ્‍યો અને ઝડપાઇ ગયો

વડોદરા: વડોદરામાં પોતાના જ સંબંધીની 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપી નવલ ઠક્કરને પોલીસે પકડી પાડ્યો છે. જોકે, આરોપી નવલ ઠક્કરને ગોત્રી પોલીસ સ્ટેશનમાં હાજર કરી આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.

મોટા ગજાના પરિવારો માટે પણ આંખ ઉઘાડતો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાના કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા નવલ ઠક્કર નામના આરોપી પર તેમના જ દૂરના સંબંધીની દીકરી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદના આધારે વડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી નવલ ઠક્કરને શોધવાની તજવીજ હાથ ધરી હતી.

જોકે, પોતાના સંબંધીની જ 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાના આરોપ હેઠળ નવલ ઠક્કર વડોદરાથી દૂર ભાગી ગયો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી. ત્યારબાદ પોલીસે પણ અલગ-અલગ પાંચ જેટલી ટીમો બનાવી નવલ ઠક્કરની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આરોપી નવલ ઠક્કર અંબાજી તરફ જતો રહ્યો હતો. ત્યારે પોતાની ગાડી બગડી જતા તે બસમાં પરત વડોદરા આવ્યો હતો.

ત્યારબાદ નવલ ઠક્કર રિક્ષામાં બેસીને શહેરના આઇનોક્સ થિયેટર પાસે આવેલા શાકર્માર્કેટ નજીકથી પસાર થઈ રહ્યો હતો. જની બાતમી મળતા વડોદરા પોલીસે તેને આઇનોક્સ પાસેથી પકડી લીધો હતો. મહત્વનું છે કે સમગ્ર ઘટનાને પગલે પોલીસની સી ટીમ દ્વારા પીડિત યુવતીનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પીડિતાની મેડિકલ ચકાસણી પણ કરવામાં આવી છે.

સીઆરપીસી 164 મુજબ ભોગ બનનારનું નિવેદન લેવામાં આવ્યું છે. ત્યારે આરોપી નવલ ઠક્કરનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે, કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવશે તો આરોપીને આઇસોલેશનમાં રાખવામાં આવશે.

(4:33 pm IST)