Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી ઉમેદવારોના ધરણા :મહિલાઓની સમકક્ષ 2485 જગ્યા પુરૂષો માટે જાહેર કરવા માંગણી

ધરણાં પર ઉતરેલા LRDના ઉમેદવારોએ જ્યાં સુધી તેમની માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે LRD ઉમેદવારો મોટી સંખ્યામાં ધરણાં પર બેઠા છે. પોસ્ટરો સાથે પ્રદર્શન કરી રહેલા પરીક્ષાર્થીઓએ LRDના નવા જાહેર થયેલા વેઇટિંગ લિસ્ટમાં પુરૂષો સાથે અન્યાય થયાની રજૂઆત કરી છે. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોએ મહિલાઓની સમકક્ષ 2485 જગ્યા પુરૂષો માટે જાહેર કરવાની માંગણી કરી છે. ધરણાં પર ઉતરેલા LRDના ઉમેદવારોએ જ્યાં સુધી તેમની માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મહિલા સમકક્ષ 2485 જગ્યા પુરુષો માટે ભરવા LRDના ઉમેદવારો ધરણા પર બેઠા છે. ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2018-19ની ભરતીમાં સરકારે જે 1 ઓગસ્ટ 2018ના નિયમને લઇને જે મહિલા કેટેગરી ભરતીની સંખ્યામાં વધારો કર્યો હતો. તે સમયે બંધારણના 33:67 ના રેસિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સરકારે 46: 54નો રેસિયો કર્યો હતો. જેના પરિણામે 62 માર્કસવાળી મહિલાઓ હાલમાં પોલીસ ખાતામાં જોબ કરી રહી છે. જ્યારે 88 માર્ક્સ લાવનાર ઉમેદવારો પોતાની નોકરી મેળવવા માટે ધરણા કરી રહ્યા છે.

ઉમેદવારોના જણાવ્યા અનુસાર, અનેક વાર સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પણ સરકારે કોઇ પણ મુદ્દા પર ધ્યાન આપ્યુ નથી. એટલે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં ધરણાં યથાવત રાખીશું.

(8:00 pm IST)