Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વલસાડમાં બસ કાંપરી રેલવે ફાટક પર જ અધવચ્ચે અટકી : અચાનક એક એક્સપ્રેસ ટ્રેન આવતા મુસાફરોના જીવ તાળવે ચોટયા

ટ્રેનના ચાલકે સમય સૂચકતા વાપરી અને ટ્રેનને અટકાવી દેતા મોટી દુર્ઘટના ટળી : 12 મિનિટથી વધુ સમય સુધી ટ્રેન ફાટક પર જ રોકાઈ

વલસાડ તા.01 : અંકલેશ્વરથી વલસાડ તરફ મુસાફરો ભરી એક બસ આવી રહી હતી. આ દરમિયાન જ વલસાડના કાપરી રેલવે ફાટકને બસ ક્રોસ કરી રહી હતી. ત્યારે ટ્રેક પર જ અધવચ્ચે બસ ખોટવાઈ ગઈ હતી. આ દરમિયાન જ ટ્રેક પરથી એક એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. જેને કારણે તમામ મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા.

જો કે ટ્રેનના ચાલકે સમય સૂચકતા વાપરી અને ટ્રેનને અટકાવી દેતા આજે ગુજરાતમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. 12 મિનિટથી વધુ સમય સુધી આ ટ્રેન ફાટક પર જ રોકાઈ હતી. તે દરમિયાન ટ્રેક પર ખોટવાયેલી બસને દૂર કરી અને ત્યારબાદ ટ્રેન આગળ વધી હતી. આ સમગ્ર ઘટનાનાં દૃશ્ય જોઈ રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

બનાવની વિગત મુજબ, અંકલેશ્વરથી વલસાડ તરફ મુસાફરો ભરી એક બસ આવી રહી હતી. આ દરમિયાન જ વલસાડના કાપરી રેલવે ફાટકને બસ ક્રોસ કરી રહી હતી. દરમિયાન અચાનક જ રેલવેના ફાટકની વચ્ચે રેલવેના પાટા પર પહોંચતા જ બસ અદ્ધવચ્ચે ખોટવાઈ ગઈ હતી. મુસાફરો ભરેલ ટ્રેન ટ્રેક પર જ અટકી ગઈ હતી. જો કે દરમિયાન યસવંતપુર એક્સપ્રેસ ટ્રેન પસાર થવાનો સમય હતો. આથી ફાટકમેનની સાથે ફાટક પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

એક્સપ્રેસ ટ્રેન પૂર ઝડપે આવી રહેલી હોવાનું જોતા જ બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને મુસાફરો મોતને સામે જોઈ રહ્યા હતા. અને તાત્કાલિક મુસાફરો પોતાનો જીવ બચાવવા બસની નીચે ઉતરી સલામત અંતરે ભાગી ગયા હતા. જો કે બસ ટ્રેક પર જ અટવાયેલી હોવાનું જોતા યશવંતપુર એકસપ્રેસ ટ્રેનના ચાલકે સમય સૂચકતા વાપરી અને ટ્રેનને થોભાવી દીધી હતી. આમ 12 મિનિટથી વધુ સમય સુધી આ ટ્રેન ફાટક પર જ રોકાઈ હતી. તે દરમિયાન ખોટવાઈ ગયેલી બસને ટ્રેક પરથી દૂર કરવામાં આવી હતી.

જો કે આ દ્રશ્યો જોનાર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ એસટી વિભાગ અને રેલવે વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે ટ્રેનના ચાલકે ટ્રેનને સમય પર જ થોભાવી દેતા એક મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ ઘટનાને કારણે લાંબા સમય સુધી ફાટક પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

(10:38 pm IST)