Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગની પૂજા : રોજના 4500 માટીના શિવલિંગ બને છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, નર્મદામા નર્મદા તટે અનેક શિવમંદિરો  આવેલા હોવાથી પવિત્ર શ્રાવણ માસમા નર્મદાના શિવાલયો નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. જેમાં રાજપીપલા નજીક આવેલ જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસ દરમ્યાન છેલ્લા 50 વર્ષથી દરરોજના 4500 ચિંતામણી પાર્થેશ્વર શીવલીગ બનાવી સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે દરરોજ નદીમા વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જેનું ધાર્મિક મહત્વ ઘણું છે એટલે શ્રાવણ માસમાં શિવાજી ને રીઝવવા ભક્તો ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગની પૂજા કરતા હોય છે. અને  આ યંત્ર પૂજનથી મનોવાંછીત ફળ મળે છે.

આ બાબતે  નંદીકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિરલભાઇ દવેએ જણાવ્યું હતું કે ચિંતામણી પાર્થેશ્વર શીવલીગ બનાવી તેની પૂજાનું અનેરું માહાત્મ્ય છે. પાર્વતીમાતા જ્યારે જંગલમાં હતા ત્યારે તેઓ  મહાદેવનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલીંગનુ પૂજન એમણે કર્યુ હતુ. એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી, માટીમાથી પાર્થેશ્વર શિવલીંગ બનાવીની મહાદેવનું પૂજન કર્યું હતું, આ પૂજનથી ઝડપી ફળ મળે છે, એટલે  ભક્તો ધન, સંતાન, નોકરી તેમજ અન્ય બાધાઓ, માનતા પુરી કરવા આ પ્રકારના શિવલીગ બનાવી શ્રવાણ માસમા દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે. બ્રહ્મણો તેનું બીલીપત્ર, ફૂલ, જળ અને દૂધથી અભિષેક કરી મંત્રો ઉચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવે છે.

(10:41 pm IST)