Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વૈશ્વિક માંગ સુધરતા દેશની ઉત્પાદન પ્રવૃતિઓ ફરી પાટે ચઢી : જુલાઈમાં 8 મહિનાની ટોચે પહોંચી

જૂનમાં 53.9ની સરખામણીમાં જુલાઈમાં મેન્યુફેક્ચરિંગ PMI વધીને 56.4 થઈ ગયો : અર્થતંત્રમાં મજબૂતીના સંકેત જોવા મળ્યા

અમદાવાદ, તા.1 : કોરોનાને કારણે પડી ભાંગેલ આર્થિક પ્રવૃતિઓ ફરી ધીમે ધીમે પોતાની જૂની સ્થિતિમાં આવી રહી છે. તેમાં પણ RBI દ્વારા વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક વૃદ્ધિ અટકી રહી હતી. પરંતુ જાણે ખરાબ સમય ગયો અને હવે ફરી ઉદ્યોગો માટે સારો સમય શરૂ થયો હોય તેમ સ્થાનિક માંગ અકબંધ રહેતા અને વૈશ્વિક માંગ સુધરતા દેશની ઉત્પાદન પ્રવૃતિઓ ફરી પાટે ચઢી છે અને જુલાઈમાં 8 મહિનાની ટોચે પહોંચી છે.

S&P ગ્લોબલ દ્વારા રજૂ કરેલ રિપોર્ટમાં ભારતનો મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI), આઉટપુટ અને નવા ઓર્ડર મજબૂત થવાને કારણે આઠ મહિનાની ઊંચી સપાટીએ આવ્યો હતો. જૂનમાં 53.9ની સરખામણીમાં જુલાઈમાં મેન્યુફેક્ચરિંગ PMI વધીને 56.4 થઈ ગયો છે.આ સાથે તે સતત તેરમા મહિના માટે 50ના લેવલની ઉપર રહ્યો છે જે અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કંપનીઓએ ઇનપુટ ખરીદીમાં વધારો કર્યો હતો, ત્યારે આગામી સમયના અનિશ્ચિત આઉટલુક અને ઓપરેટિંગ ક્ષમતાઓ પર દબાણને કારણે નોકરી સર્જન નજીવું રહ્યું હતું. ભાવના મોરચે પણ જુલાઈ મહિનો સારો રહ્યો હતો કારણકે રિપોર્ટ મુજબ ઇનપુટ કોસ્ટ અને આઉટપુટ ચાર્જ ઈન્ફ્લેક્શનમાં ઘટાડો થયો હતો.

ભારતીય ઉત્પાદન પ્રવૃતિઓ આઠ મહિનામાં સૌથી ઝડપી વધવા પાછળનું કારણ સબ ઈન્ડેકસમાં ચોતરફી સુધારો અને રોકાણમાં વધારો જવાબદાર હતો. S&P ગ્લોબલના સર્વેમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે વિદેશી માંગ જુલાઈમાં ચાર મહિનામાં સૌથી ધીમી ગતિએ વિસ્તરી છે અને ગત મહિને આશાવાદમાં થોડો સુધારો થયો છે.

નવી ભરતીમાં કંપનીઓએ ત્રણ મહિનામાં સૌથી ધીમી ગતિએ હેડકાઉન્ટમાં વધારો કર્યો છે. મોટાભાગની કંપનીઓ (98%) એ ઓપરેટિંગ ક્ષમતા પર દબાણના અભાવ વચ્ચે વર્કફોર્સની સંખ્યાને યથાવત રાખવાનું પસંદ કર્યું છે. આઉટપુટ ગત નવેમ્બર બાદ સૌથી ઝડપી ગતિએ વિસ્તર્યું છે તેમ S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ ખાતે ઇકોનોમિક્સ એસોસિયેટ ડિરેક્ટર પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું.

 

(12:09 am IST)