Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગુજરાત-બ્રાઝિલ વચ્ચે મૂડીરોકાણ-વ્યાપારિક,-વ્યવસાયિક સંબંધો વ્યાપક ફલકે વિકસાવવામાં ગુજરાતની વિવિધ પોલિસીઝ પ્રોત્સાહક બનશે: ભૂપેન્દ્રભાઇ પટેલ

બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાતે:ગુજરાત-બ્રાઝિલ વચ્ચેના આપસી સંબંધોમાં ગીર ગાય નસ્લ જેમ જ ન્યૂ ઇકોનોમીમાં મૈત્રી કરાર નવિન તકો ખોલી શકે : વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં બ્રાઝિલને જોડાવા મુખ્યમંત્રીનું નિમંત્રણ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આંન્દ્રે અરન્હા કોરિયા ડૉ. લાગોએ ગાંધીનગરમાં લીધી હતી

મુખ્યમંત્રીએ બ્રાઝિલ રાજદૂત સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, બ્રાઝિલે પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે ક્રાંતિ કરી છે તેના મૂળમાં ગુજરાતનું મોટું યોગદાન રહેલું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગુજરાતના ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલને ગીર નસ્લના બળદ-આખલાની ભેટ આપેલી તેની સ્મૃતિ તાજી કરી હતી.
  ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રાઝિલ અને ગુજરાત વચ્ચે મૂડીરોકાણો, વેપાર વાણિજયના સંબંધોને વધુ વ્યાપકપણે વિકસાવવામાં ગુજરાતની વિવિધ પોલિસીઝ પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
તેમણે ગુજરાતે ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીકસ એન્ડ લોજિસ્ટીક પાર્ક પોલિસી-ર૦ર૧, ઇલેકટ્રીકલ વ્હીકલ પોલિસી-ર૦ર૧, સોલાર એનર્જી પોલિસી તેમજ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે તેમ પણ જણાવ્યું હતું
મુખ્યમંત્રીએ બ્રાઝિલમાંથી મિનરલ્સ, ઓઇલ વગેરેની ભારતમાં આયાત થાય છે તેની પણ વિગતો આપી હતી
 ઇથેનોલ ફયુઅલ વપરાશમાં બ્રાઝિલના અનુભવ જ્ઞાનનો સહયોગ ગુજરાતને મળે તે માટે પણ મુખ્યમંત્રીએ ઉત્સુકતા દર્શાવી હતી.
  ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, બ્રાઝિલની ક્રાઇસ્ટ રિડીમાની પ્રતિમા પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિના નિર્માણ માટેનું એક પ્રેરણાસ્ત્રોત બની છે.
બ્રાઝિલના રાજદૂત શ્રીયુત આંન્દ્રે અરન્હા કોરિયા ડૉ લાગોએ મુખ્યમંત્રીને કહ્યું કે, ગુજરાતે એનર્જી સેકટરમાં જે અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેમાંથી બ્રાઝિલને મોટી પ્રેરણા મળશે.
તેમણે ઇથેનોલ ફયુઅલના ઉપયોગમાં બ્રાઝિલના પ૦ વર્ષના વિશાળ અનુભવ અને વાહનોમાં ફયુઅલ તરીકે સફળ ઉપયોગ અંગે પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
બ્રાઝિલના રાજદૂતશ્રીએ ગુજરાતના અડાલજની વાવ સહિતના સ્થાપત્ય વારસાથી પણ તેઓ પ્રભાવિત થયા છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રર માં બ્રાઝિલ પણ જોડાય તેવું નિમંત્રણ પાઠવ્યું હતું.
તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ બ્રાઝિલ રાજદૂતને સ્મૃતિચિન્હ તરીકે અર્પણ કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.

(9:05 pm IST)