Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ધો-12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા પરિણામથી અસંતુષ્ટ 16 વિદ્યાર્થીઓ પૈકી 14 પરીક્ષામાં પાસ

નવેસરથી લેવાયેલી ફરીવાર પરીક્ષામાં 2 વિદ્યાર્થી નાપાસ થયા

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની ફરીવાર પરીક્ષા લીધી હતી. જેમાં 16 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં કોરોનાના કેસોને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને અગાઉની પરીક્ષાના આધારે ગુણ આપવાનું નક્કી કરાયું હતું. જેના માટે સમિતિની રચના કરાઈ હતી અને સમિતિની ગાઈડલાઈન અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓના માર્ક મંગાવી ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતુ. જેમાં 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

જોકે, આ પરિણામ જાહેર કરાયા બાદ બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હોય તેઓ પોતાની માર્કશીટ સ્કૂલમાં જમા કરાવી ફરી પરીક્ષા આપી શકે તેવી જોગવાઈ કરી હતી. જેના પગલે 16 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડ સમક્ષ માર્કશીટ જમા કરાવી પુનઃ પરીક્ષા આપવા માટે સંમતિ દર્શાવી હતી. જેથી બોર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓની 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષા પુર્ણ થયાના બીજા જ દિવસે બોર્ડ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં 16 વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા હતા. આમ, 87.50 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ પણ નાપાસ થયા છે. અગાઉ તેઓ પાસ હતા, પરંતુ તેમણે માર્કશીટ જમા કરાવી પરીક્ષા આપતા તેઓ નાપાસ થયા છે.

(12:30 am IST)