Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સુરતમાં મળશે કાશ્મીરની મીઠાશ : સફરજન, અખરોટ, પેરુ અને ચેરી સીધા આવશે સુરત

સુરત APMC નું પ્રતિનિધિ મંડળ વેપારની સંભાવના ચકાસવા તથા ખેડૂતોને મદદરૂપ થવાં જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયું

સુરત :  હવે કાશ્મીરની મીઠાશ સુરતમાં મળશે, કેન્દ્રીય મંત્રી અમિત શાહના સૂચનને પગલે સુરત APMC નું પ્રતિનિધિ મંડળ વેપારની સંભાવના ચકાસવા તથા ખેડૂતોને મદદરૂપ થવાં જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયું છે.

સુરત એપીએમસીનાં ચેરમેન રમણ પટેલ (જાની), વાઈસ ચેરમેન સંદિપ દેસાઈ અને સેક્રેટરી નિલેશ થોરાટ સહિતનાં દસ સભ્યોના પ્રતિનિધિ મંડળે કાશ્મીરના ખીણ પ્રદેશમાં અખરોટ અને સફરજનની ખેતી કરતાં ખેડુતોની મુલાકાત લઈ તેમની ખેતી અને વેચાણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી.

ખાસ કરીને સહકારી ધોરણે કાશ્મીરમાં ખેડુતો માટે બજાર વ્યવસ્થા કેવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી.

સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીએ કાશ્મીરના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે કાશ્મીરમાં મુખ્યત્વે ગાંદરબલ, પુલવામાં અને બારામુલા જિલ્લામાં ખેતી કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરની સૌથી મોટી એપીએમસી બારામુલા જિલ્લાનાં સોપોરમાં આવેલી છે. આ જિલ્લામાં સફરજનની સૌથી વધુ ખેતી અને વેચાણ થાય છે. તે એપીએમસીમાં ખેડુતો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અત્યારે કાશ્મીરી સફરજન, અખરોટ, પેરુ અને ચેરી કાશ્મીરના સોપોરની એપીએમસી માંથી દિલ્હીની માર્કેટમાં આવે છે. અને ત્યાંથી વેપારીઓ ભાવો વધારી સુરત એપીએમસી સહિતની માર્કેટમાં મોક્લાવે છે. જેમાં ખેડુતોને પ્રમાણમાં ઓછો લાભ થાય છે. આ ખેડુતોને તેમના ઉત્પાદન સાથે સીધા સુરત એપીએમસી સાથે કંઈ રીતે જોડી શકાય તેને લઈને અભ્યાસ કરવામાં આવ્યો. છે. ટૂંક સમયમાં કાશ્મીરના વિખ્યાત ફળ સુરત એપીએમસીમાં જોવા મળે તેવી તૈયારી શરૂ કરવામાં આવી છે.

(8:43 pm IST)