Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા સત્તાવાર રીતે રદ : હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે

તહેવારોને લઈ બોર્ડના સભ્યોએ સામાન્ય સભા મોકુફ રાખવાની માંગણી કરતા બોર્ડ દ્વારા નિર્ણય

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આવતીકાલે મંગળવારે યોજાનારી સામાન્ય સભા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરી સામાન્ય સભા રદ કરવામાં આવી હોવાનું તેમજ આગામી દિવસોમાં સામાન્ય સભાની નવી તારીખ જાહેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. તહેવારોને લઈ બોર્ડના સભ્યોએ સામાન્ય સભા મોકુફ રાખવાની માંગણી કરી હતી. આ માંગણીઓને ધ્યાનમાં લઇને બોર્ડ દ્વારા  ઉપર્યુક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નવા સભ્યો ચૂંટાયા બાદ પ્રથમ સામાન્ય સભા 2 નવેમ્બરના રોજ રાખવામાં આવી હતી. આ સામાન્ય સભા દિવાળીના તહેવારો દરમિયાન આવતી હોવાથી બોર્ડના ચૂંટાયેલા સભ્યોએ શિક્ષણ બોર્ડ સમક્ષ સામાન્ય સભા મોકુફ રાખી અન્ય તારીખે તેનું આયોજન કરવા માટે રજૂઆત કરી હતી. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે પરિપત્ર કરી 2 નવેમ્બરના રોજ મળનારી સામાન્ય સભા મુલતવી રાખવાની જાહેરાત કરી છે.

2 નવેમ્બરના રોજ હવે બોર્ડની સામાન્ય સભા મળશે નહીં. જોકે, સામાન્ય સભાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. સંભવત દિવાળીના તહેવારો પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા સામાન્ય સભાની તારીખ જાહેર કરવામાં આવશે. જેમાં નવેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા સભ્યો પૈકી સમિતિઓની ચૂંટણી સહિતની અન્ય મહત્વની કામગીરી આ બેઠકમાં થનાર છે. ત્યારે તહેવારો દરમિયાન આ બેઠક મળે તો અમુક સભ્યો હાજર રહી શકે તેમ ન હોવાથી તહેવારો પછી સામાન્ય સભા બોલાવવા માટે રજૂઆત કરાઈ હતી

(11:11 pm IST)