Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સુરતના રાંદેર વિસ્તારમાં બોયફ્રેન્ડે વાત કરવાનું બંધ કરતા ટેંશનમાં આવી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

સુરત: રાંદેરના ઉગત ખાતે રવિવારે બપોરે બોયફ્રેન્ડએ વાત કરવાનું બંધ કરતા ટેન્શનમાં આવી પરિણીતાએ કોઇ ઝેરી દવા પી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ રાંદેરના ઉગત રોડ પર રહેતી ૨૪ વર્ષીય પરિણીતા રવિવારે બપોરે ઘરમાં રહસ્યમય સંજોગોમાં ઝેર પીધેલી હાલતમાં મળી આવતા નવી સિવિલમાં દાખલ કરાઇ હતી. પરિણીતાએ સિવિલ ખાતે આક્ષેપ કર્યા કે પડોશી  યુવાને તેને કોઇ ઝેરી દવા પીવડાવી દીધી હતી. સિવિલની પોલીસ ચોકીને જાણ કરાતા રાંદેર પોલીસને મેસેજ અપાયો હતો અને તપાસમાં અન્ય હકીકત બહાર આવી હતી. પોલીસે કહ્યુ હતું કે પરિણીતાએ જાતે ઝેર પીધું હોવાનું કહ્યું હતું. બોયફ્રેન્ડે  છેલ્લા દસ-પંદર દિવસથી તેની સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. પોલીસ બોયફ્રેન્ડને પકડી જાય તે ઇરાદાથી પડોશી યુવાને કોઇ ઝેરી દવા પીવડાવી હોવાનો ખોટો આક્ષેપ કર્યા હતા. બોયફ્રેન્ડ વાત કરતો ન હોવાથી પરિણીતાએ આ પગલું ભર્યાની શક્યતા છે. તેની તબિયતમાં સુધારો હોવાનું પોલીસે કહ્યું હતું.  તેના લગ્ન છ વર્ષના પહેલા થયા હતા. તેને બે સંતાન છે.

(5:56 pm IST)