Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

છેલ્લાં 30 વર્ષમાં આઠમીવાર રાજ્યમાં સરેરાશ 40 ઇંચથી વધારે વરસાદ:47 વર્ષ બાદ સૌથી વધુ ઓગસ્ટમાં વરસ્યો

સીઝનનો સરેરાશ 121 % વરસાદ નોંધાયો ; રાજ્યના 111 ડેમ ઓવરફ્લો થયા

અમદાવાદઃ રાજ્યમાં સતત કેટલાંય દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે અનેક જિલ્લાઓ જળબંબાકાર થઇ ગયા છે. ત્યારે છેલ્લાં 30 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ 40 ઇંચથી વધારે થયો છે. 47 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ ઓગસ્ટ મહીનામાં વરસ્યો છે. જો કે હવે રાજસ્થાન પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે પાકિસ્તાન બાજુ ફંટાઈ ગઇ છે. જેનાં કારણે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી જ નથી.

 

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 121 % વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત રાજ્યના 111 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે 22 ડેમ 90%થી વધુ ભરાઇ ગયા છે. સદીમાં ચોથી વખત ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 26.6% વધુ વરસાદપડ્યો છે. આ અગાઉ 1926, 1933 અને 1973માં આટલો વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. હાલમાં ચાલુ સીઝનમાં 110 % વરસાદ નોધાયો છે.

અત્રે મહત્વનું છે કે હવામાન વિભાગના મતાનુસાર ગુજરાતમાં ચોમાસાને 30 દિવસ બાકી રહ્યાં છે તેમ છતાં 120 ટકાથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં અનેક જળાશયો, નદીઓ અને તળાવો છલોછલ થઈ ગયા છે. જેના લીધે જગતનો તાત પણ ખમૈયા કરોની પોકાર લગાવી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેથી અનેક પાકો નિષ્ફળ ગયા છે.

(12:37 pm IST)