Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

આજે પ્રથમ વખત ઐતિહાસિક ઘટનાઃ ભાદરવી પૂનમે અંબાજી માતાજી મંદિરે ભક્‍તો વખત ઉજવણીઃ ઓનલાઇન દર્શનની સુવિધા

અંબાજી: આજે ભાદરવી પૂનમ છે. ગુજરાતમાં કોઈ એવુ નહિ હોય જેને ભાદરવી પૂનમના દિવસે અંબાજીના દર્શન કર્યાં નહિ હોય. ભાદરવી પૂનમની રાહ જોઈ ભક્તો આતુરતાથી જોઈને બેસ્યા હોય છે. પરંતુ આજે એવું કંઈ જ નથી. ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર અંબાજી ધામમાં ભાદરવી પૂનમ ઉજવાઈ રહી છે. કોરોના મહાસંકટથી મુક્તિ માટે અંબાજી મંદિરમાં સહસ્ત્રી ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે.

ઈતિહાસમાં પહેલીવાર શક્તિપીઠ અંબાજી ધામમાં માઈ ભક્તો વગર ભાદરવી પૂનમની સંપૂર્ણ સાદગીથી ઉજવણી થઈ રહી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જગત જનની મા અંબાનાં દર્શન કરવા અંબાજીમાં 25 લાખ ભક્તો માના દરબારમાં પહોંચતા હોય છે.પરંતુ કોરોના મહામારીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો નથી. અને ભક્તોને મા અંબાનાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ શક્યું નથી. અંબાજી મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધી હોવાથી માતાજીનાં દર્શન ઑનલાઈન કરી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે. કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે મંદિરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. મા અંબાજીનું મંદિર ભક્તો વગર સૂનું બન્યું છે. લાખો માઈભક્તો ઘરે બેઠાં માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે કે ઝડપથી કોરોના કાળ ખતમ થાય અને જીવન ફરીથી સામાન્ય બને.

યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાય છેસ, જેમાં લાખો પદયાત્રીઓ ચાલીને માતાજીના મંદિરે પહોંચતા હોય છે. પણ આ વખતે મેળાને કોરોનાનું ગ્રહણ લાગતા મેળો સરકાર દ્વારા બંધ કરી દેવાયો હતો. લોકોમાં સંક્ર્મણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે 10 દિવસ બંધ રખાયું છે. આજે ભાદરવી પૂનમે અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા લઈને તેમજ નવરાત્રિ દરમિયાન માતાજીને નિમંત્રણ આપવા અંબાજી આવતા હોય છે. પણ આજે કોઈ જ શ્રદ્ધાળુ માતાજીના મંદિરે જોવા મળ્યું ન હતું. આજે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. જે માત્ર પૂજારી દ્વારા કરાઈ હતી. કોઈ પણ ભક્તને પ્રવેશ અપાયો ન હતો. માત્ર સુરક્ષાકર્મીઓ અને મંદિરનો સ્ટાફ જ ઉપસ્થિત જોવા મળ્યો હતો.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો રદ્દ કરાતા મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓને ઘરે બેઠા જ મંદિર ટ્રસ્ટ વિવિધ માધ્યમો દ્વારા ઑનલાઈન લાઈવ દર્શન કરાવી રહ્યું છે. જેમાં હમણાં સુધી 28 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ ઓનલાઇન દર્શનનો લાભ લીધો છે. આમ તો અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેનાર હતું, પણ શ્રદ્ધાળુઓ  લાગણીને ધ્યાનમાં રાખીને મંદિર આવતીકાલે 3 સપ્ટેમ્બરે ખોલી દેવાશે. આમ, ભક્તો ફરી રાબેતા મુજબ દર્શનનો લાભ લઇ શકશે. એટલું જ નહિ, મંદિરના પ્રસાદ અને ભોજનશાળા પણ મંદિર ખૂલવાની સાથે ફરી શરૂ કરી દેવાશે. ગઈકાલે યજ્ઞના પૂજારીઓ દ્વારા માતાજીને ધજા પણ ચઢાવી હતી.

(4:38 pm IST)