Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય:કૃષિ મંત્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે કિસાન હિતકારી નિર્ણય કરતાં જાહેર કર્યુ છે કે, રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે જે ખેડૂતોને પોતાના ખેતી પાકોનું નૂકશાન થયું છે તેમને રાજ્ય સરકાર SDRFના ધોરણે સહાય ચૂકવાશે.
   કૃષિ મંત્રી  આર. સી. ફળદુએ રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, આગામી ૧પ દિવસોમાં નૂકશાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાના આદેશો પણ સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ આપ્યા છે.
    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સમક્ષ ધારાસભ્યો, સાંસદો, આગેવાનોએ ચાલુ વર્ષ ખરીફ ઋતુમાં ખેતી પાકોને થયેલા નૂકશાનમાં ખેડૂતોને સહાય રૂપ થવા કરેલી રજુઆતોનો સંવેદનાપૂર્ણ સકારાત્મક પ્રતિસાદ તેમણે આપ્યો છે એમ પણ  ફળદુએ ઉમેર્યુ હતું.
કૃષિ મંત્રીએ રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયની વિસ્તૃત જાણકારી આપતા કહ્યું કે, ખેડૂતોને ખેતી પાકોમાં વરસાદથી થયેલા વ્યાપક નૂકશાન સંદર્ભે મંત્રીમંડળની બેઠકમાં વિગતે ચર્ચા-વિચારણા બાદ ખેડૂતોની વિપદામાં પડખે ઊભા રહેવાની સંવેદના સાથે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.
   આર. સી. ફળદુએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે, રાજ્યમાં જે ધરતીપુત્રો-ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નૂકશાન થયું હશે તેવા ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. આ માટેનો સર્વે હાથ ધરવા પણ આદેશો આપી દેવાયા છે.
તેમણે કહ્યું કે, જે ખેતરોમાં વરસાદી પાણી ઓસરી ગયા છે તે ખેતરોમાં સર્વે કામગીરી ચાલુ છે. એટલું જ નહિ, જે ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઉતરી ગયા પછી આવી સર્વે કામગીરી શરૂ કરાશે.
   કૃષિ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકાર હંમેશા ખેડૂતો-ધરતીપુત્રોના હિતોને વરેલી રહી છે. ભૂતકાળમાં જ્યારે કુદરતી વિપદાઓ આવી ત્યારે સરકારે ઉદારત્તમ આર્થિક સહાય પેકેજ આપીને આફતગ્રસ્ત ખેડૂતોની પડખે ઊભા રહેવાનું દાયિત્વ સુપેરે નિભાવેલું છે.
એટલું જ નહિ, આ વર્ષે પણ આ વ્યાપક વર્ષાથી સર્જાયેલી સ્થિતીમાં ખેડૂતોની હામી બની આ કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે.
ખેડૂતોને નૂકશાન સહાયના પ્રશ્ને ગેરમાર્ગે દોરનારા તત્વોની ભ્રમજાળ-ભ્રામક અપપ્રચારમાં રાજ્યનો ખેડૂત દોરવાશે નહિ જ એવો વિશ્વાસ પણ કૃષિ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ફળદુએ આ વર્ષે મોસમનો સરેરાશ અંદાજે ૧રપ ટકાથી વધુ વરસાદ રાજ્યમાં વરસ્યો છે તેથી આગામી રવિ અને ઉનાળુ પાકમાં ધરતીપુત્રોને ખેતીવાડી માટે પાણી પર્યાપ્ત તેવી શ્રદ્ધા પણ દર્શાવી હતી.

(6:40 pm IST)