Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કોરોનાથી અમદાવાદની ૭૦% પ્લેસ્કૂલોના પાટિયા પડી ગયા

ઓનલાઈન ક્લાસ માટે વાલીઓ તૈયાર નહીં : અમદાવાદમાં આશરે ૧૫૦૦ પ્રીસ્કૂલો છે અને કોરાનાના કારણે તેમાંથી ૭૦ ટકા પર તાળા વાગી ગયા છે

અમદાવાદ,તા.૧ : છેલ્લા સાત વર્ષથી સેટેલાઈટ વિસ્તારમાં પ્લેસ્કૂલ ચલાવતા વિનિતા જમતાણીએ છેવટે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ પર તાળું મારી દીધું છે. કોરોના મહામારીના લીધે પ્લેસ્કૂલોને અસર પહોંચી છે. નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે શારીરિક અને માનસિક પ્રોત્સાહન મળે તે માટે તેમને પ્લેસ્કૂલમાં દાખલ કરવામાં આવે છે.

સ્કૂલના મોટા ધોરણોમાં અભ્યાસ કરતાં વાલીઓ ઓનલાઈન ક્લાસ તરફ વળ્યા છે અને તેને સ્વીકારી લીધું છે પરંતુ નાના ભૂલકાંઓના પેરેન્ટ્સ હજી આના માટે તૈયાર નથી. મોટા નુકસાન અને બિઝનેસના અંધકારમય ભવિષ્યને જોતાં પ્લેસ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, તેમ વિનિતા જમતાણીએ જણાવ્યું.

છેલ્લા ૧૮ મહિનામાં રાજ્યની મોટાભાગની સ્કૂલો બંધ રહી અથવા તો ઓનલાઈન એજ્યુકેશન તરફ વળી ગયા. સરકારે તાજેતરમાં જ ધોરણ ૮-૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવાની મંજૂરી આપી હતી. પરંતુ હજી પણ મોટાભાગના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસીને ભણવાના બદલે પોતાના ઘરના સુરક્ષિત વાતાવરણમાં ભણવાનું પસંદ કરી રહ્યા છે.

મહામારી પહેલા સમૃદ્ધ રીતે ચાલતી પ્રી-સ્કૂલ અથવા પ્લેસ્કૂલોના સેક્ટર માટે મૃત્યુ-ઘંટ વગાડ્યો છે. પોતાના દોઢથી સાડા ત્રણ વર્ષના બાળકને વાયરસના સંભવિત જોખમમાં વાલીઓ મૂકવા માગતા નથી.

અમદાવાદમાં આશરે ૧,૫૦૦ પ્રીસ્કૂલો છે અને કોરાના મહામારીના કારણે તેમાંથી ૭૦ ટકા પર તાળા વાગી ગયા છે, તેમ અમદાવાદ ચેપ્ટર ઓફ અર્લી ચાઈલ્ડહુડ અસોસિએશન અને અસોસિએશન ફોર પ્રાયમરી એજ્યુકેશનના પ્રમુખ પથિક શાહે કહ્યું. નવરંગપુરામાં શહેરની સૌથી જૂની પ્રી-સ્કૂલ ચલાવતા ફિરદોશ લાલકાએ ઓનલાઈન એજ્યુકેશન શરૂ કર્યું છે પરંતુ વિદ્યાર્થીઓનો આંકડો ૩૦૦થી ઘટીને માત્ર ૭૫ થઈ ગયો છે.

તેમણે કહ્યું કે, તેઓ આ નુકસાન વેઠી શકે છે કારણકે તેમને ભાડું ચૂકવવું પડતું નથી. *બંધ થયેલી મોટાભાગની પ્રી-સ્કૂલો ફ્રેન્ચાઈઝી આધારિત હતી. ભાડે લીધેલી જગ્યામાં પ્રી-સ્કૂલ ચલાવવાનો ખર્ચ ૧૦-૧૫ લાખ રૂપિયા વચ્ચે થાય છે.

માત્ર ગણતરીના વાલીઓ ઓનલાઈન ક્લાસ માટે તૈયાર થયા હોવાથી પ્રી-સ્કૂલોને આ પોસાય તેમ નહોતું*, તેમ ફિરદોશ લાલકાએ ઉમેર્યું. આશરે ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી હવે અમારી પાસે પ્રી-સ્કૂલના માત્ર ૨૭ વિદ્યાર્થીઓ રહ્યા છે.

અમદાવાદમાં આવેલી ૭૦-૮૦% પ્લેસ્કૂલ ફ્રેન્ચાઈઝી મોડલ પર ચાલે છે. ઊંચા ભાડાના કારણે મોટાભાગની સ્કૂલો બંધ થઈ ગઈ છે, તેમ વસ્ત્રાપુરમાં પ્રી-સ્કૂલ ચલાવતા શાહે જણાવ્યું.

(9:10 pm IST)