Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજ્યમાં કમોસમી વરસાદ LRD ના ઉમેદવારોને નડ્યોઃ કમોસમી વરસાદને કારણે રાજ્યના 6 ગ્રાઉન્ડ પર LRD અને PSI ની કસોટી મૌકૂફ રાખવામાં આવી

ભરૂચ, ખેડા, નડિયાદ, સુરેન્દ્રનગરમાં કસોટી મૌકૂફ રખાઈ તો અમરેલી અને વાવ-સુરતના ગ્રાઉન્ડમાં પણ કસોટી મૌફુફ રખાઈ

અમદાવાદ: ગુજરાતમાં એલઆરડી ભરતીને લાગેલું ગ્રહણ હટી રહ્યું નથી. અગાઉ ઉમેદવારોએ આપેલી લાંબી લડત બાદ હવે જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થઈ, તો રાજ્યમાં કમોસમી વરસાદ LRD ના ઉમેદવારોને નડ્યો છે. કમોસમી વરસાદને કારણે રાજ્યના 6 ગ્રાઉન્ડ પર LRD અને PSI ની કસોટી મૌકૂફ રાખવામાં આવી છે. ભરૂચ, ખેડા, નડિયાદ, સુરેન્દ્રનગરમાં કસોટી મૌકૂફ રખાઈ છે. તો અમરેલી અને વાવ-સુરતના ગ્રાઉન્ડમાં પણ કસોટી મૌફુફ રખાઈ છે. 3 અને 4 ડિસેમ્બરે શારીરિક કસોટી લેવાની હતી.

રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે.

એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન આઈપીએસ હસમુખ પટેલે માહિતી આપતી ટ્વીટ કરી કે, કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકૂફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

(5:27 pm IST)