Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

સમાજસેવી અને પરોપકારી એ.એમ.નાઇક દ્વારા સ્થાપિત'નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ' દ્વારા કેન્સર હોસ્પિટલની સ્થાપના દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના જરૂરતમંદ લોકો માટે શ્રેષ્ઠ આરોગ્ય સારવાર ધામ બનશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંસ્કારી નગરી નવસારી ખાતે નિરાલી કેન્સર હોસ્પિટલ"નું ઉદઘાટન કર્યુ

રાજ્યના છેવાડાના વિસ્તારોમાં સુપર સ્પેશ્યાલિટી સહિતની આરોગ્ય સેવાઓ આપવા નવી હેલ્થ પોલિસીમાં રાજ્ય નવી હેલ્થ પોલિસીમાં રાજ્ય સરકારે ઇન્સેન્ટીવ યોજના શરૂ કરી છે : શ્રેષ્ઠત્તમ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ સુદ્રઢ બનાવી ભારત-ગુજરાતને વર્લ્ડ કલાસ હેલ્થકેરમાં અગ્રેસર બનાવવાની નેમ છે : પોતાની સંપત્તિનો સમાજ શ્રેયાર્થે ‘‘બહુજન હિતાય-બહુજન સુખાય’’ મંત્ર સાથે ઉપયોગ કરનારા નાઇક પરિવારે સામાન્ય માનવી ગરીબ-વંચિતો પ્રત્યે સંવેદના દર્શાવી છે ::સૌના સુખે સુખી-સૌના દુ:ખે દુ:ખીની ભાવના સાથે પોતાના ધન-લક્ષ્મી અન્યોની સેવામાં આપીને નાઇક પરિવારે ‘શ્રીમંત’ને સાચ અર્થમાં સાકાર કર્યુ : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર:::મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ સુપર સ્પેશ્યાલિટી સહિતની આરોગ્ય સેવાઓ પહોચાડવા નવી હેલ્થ પોલિસીમાં ઇન્સેન્ટીવ યોજના સરકારે શરૂ કરી છે*

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના હરેક જરૂરતમંદ વ્યક્તિ-દરદીને ઘર આંગણે સારામાં સારી સારવાર મળે તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે* 

મુખ્યમંત્રીશ્રી દક્ષિણ ગુજરાતના નવસારી નજીક એ.એમ. નાઇક હેલ્થ કેર કોમ્પલેક્ષ ખાતે ‘નિરાલી કેન્સર હોસ્પિટલના’ ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. 

આ હોસ્પિટલનું નિર્માણ એલ.એન્ઙટી.ના ચેરમેન, પદ્મ વિભૂષણ શ્રી અનિલ નાઇક સંચાલિત એ.એમ. નાઇક હેલ્થ કેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છેે.  

મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોના ગરીબ-જરૂરતમંદ પરિવારોની આરોગ્ય સુખાકારી માટે આ અદ્યતન હોસ્પિટલ એક ઉત્કૃષ્ટ સેવા-સારવાર માધ્યમ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, કેન્સર જેવી ગંભીર બિમારી સહિત અન્ય ગંભીર રોગોની સારવાર માટે ગરીબ પરિવારોને કોઇ પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે ૬૦ લાખથી વધુ પરિવારોને મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્યમ કાર્ડ અંતર્ગત આવરી લઇને રૂ. ૩ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે સરકાર પૂરી પાડે છે. 

તેમણે પ્રધાનમંત્રીશ્રીએ આયુષ્યમાન ભારત અન્વયે આવા પરિવારોને રૂ. પ લાખ સુધીની વિનામૂલ્યે સારવારની જે યોજના કરી છે તેનો પણ રાજ્યના જરૂરતમંદ લોકોને લાભ મળી રહ્યો છે તેની ભૂમિકા આપી હતી. 

પોતાની સંપત્તિનો સદુપયોગ કરનારા નાયક પરિવારની ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલ હૃદય ભાગ્યશાળી માનવીઓના જ હોય છે તેમ જણાવી બીજાના આંસુઓ લુછવાનુ પુણ્યકર્મ નાયક પરિવાર બખૂબી નિભાવી રહ્યુ છે તેની પ્રસંશા કરી હતી.

શિક્ષણ અને આરોગ્ય ઉપર લક્ષ કેન્દ્રિત કરીને પોતાની સંપત્તિનો 'બહુજન હિતાય, બહુજન સુખાય'ના મંત્ર સાથે ઉપયોગ કરનારા નાયક પરિવારની ઉદાત્ત ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ અલ્પ જીવન જીવીને લાખો પરિવારોને નવજીવન આપવાનો માર્ગ બતાવી ગયેલી ચી.નિરાલીને પુણ્ય આત્મા ગણાવ્યો હતો. 

ગુજરાતનો ચારેકોર વિકાસ થઈ રહ્યો છે ત્યારે વતનનું ઋણ ચુકવવાનું કાર્ય કરી રહેલા નાયક પરિવારના આ સેવાકાર્યમા સહભાગી થવાની મળેલી તક ને મુખ્યમંત્રીશ્રીએ પોતાનું સદભાગ્ય ગણાવ્યુ હતુ. 

દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામા વિશેષ કરીને આરોગ્યક્ષેત્રે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી નિતનવી સુવિધાઓ ઉભી થઇ રહી છે તેમ જણાવતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ફાળવેલી 'એમ્સ' માટે આભાર વ્યકત કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારી સામે કે અન્ય સામાન્ય અથવા ગંભીર રોગની સારવાર માટે મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુદ્રઢ બનાવી આવનારા સમયમાં ભારતને મેડીકલ ક્ષેત્રે વર્લ્ડ કલાસ હેલ્થ કેરનું અગ્રેસર બનાવવાની નેમ વ્યકત કરી હતી. 

પ્રાસંગિક વક્તવ્ય આપતા પદ્મ વિભૂષણ શ્રી એ.એમ.નાયકે આ હોસ્પિટલ સમાજ માટે નવી આશા અને વિશ્વાસનો નવો યુગ લાવશે તેમ જણાવી, હું મારી જન્મભૂમિ માટે યોગદાન આપવા બદલ અત્યંત ખુશી અનુભવુ છુ તેમ જણાવ્યું હતું.

અત્યાધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલ વ્યાપક અને વાજબી કેન્સર કેર ઓફર કરે છે. તેમજ સમગ્ર પ્રદેશમા ઉપલબ્ધ સેવાઓમા વધારો અને સુધારો કરશે. પરોપકારી, પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત તથા લાર્સન એન્ડ ટુબ્રોના ગૃપ ચેરમેન એ.એમ.નાઇકની વ્યક્તિગત ક્ષમતામા હોસ્પિટલની સ્થાપના કરવામા આવી છે. શ્રી નાઇકની પૌત્રીની યાદમા આ હોસ્પિટલનુ નિર્માણ કરવામા આવ્યુ છે. 

હોસ્પિટલ ખાતે કામગીરી પ્રતિષ્ઠિત અપોલો સીબીસીસી ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવશે, તથા તે ઓન્કોલોજી, ડાયગ્નોસ્ટિક્સ, ન્યુક્લિઅર મેડિસિન, રેડિયોલોજી તેમજ પેઇન મેનેજમેન્ટ, ફિઝિયોથેરાપી વિગેરે જેવી અન્ય સેવાઓને આવરી લેશે. 

"નિરાલી કેન્સર હોસ્પિટલ"ના લોકાર્પણ સમારોહમા એ.એમ.એન. ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ એસોસીએટ્સ શ્રી એ.એમ.નાયક, ગીતા નાયક, વાઇસ ચેરપર્સન પ્રીથા રેડ્ડી, ભાજપા પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ, સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ગત માર્ચ માસમા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વૈકયાનાયડુએ ૫૦૦ બેડની 'નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ'નો શિલાન્યાસ કર્યો હતો. જે કેન્સર હોસ્પિટલની બાજુમા જ આવેલી છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા સંચાલિત આ હોસ્પિટલ પણ વર્ષ ૨૦૨૨ સુધીમા કાર્યરત થઇ જશે.

"નિરાલી કેન્સર હોસ્પિટલ"ના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સ્વાગત વક્તવ્ય શ્રી જીગ્નેશ નાયકે કર્યું હતું. જ્યારે આભારવિધિ શ્રી વાય.એસ.ત્રિવેદીએ કરી હતી. 

(5:13 pm IST)