Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ધોરણ-10ના ત્રણ લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ માટે પણ તાત્કાલિક નિર્ણય કરો : કોંગ્રેસની માંગણી

રાજ્ય સરકાર પરીક્ષા લેવી કે ન લેવી તે અનિશ્ચિતતાથી લાખો વિદ્યાર્થી – વાલીઓ ચિંતા અને ડરમાં સમય પસાર કરે છે : ભાજપ સરકાર દિલ્હીની સુચના પછી જ નિર્ણય કરતી રબ્બર સ્ટેમ્પ સરકાર છે : ડો. મનીષ દોશી

ગાંધીનગર: ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્ર પ્રભાવિત થયું હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ધોરણ-10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ભારણના કારણે લાંબા સમયથી માનસિક તાણ અનુભવી રહ્યાં હતાં. રાજ્ય સરકાર પરીક્ષા લેવી કે ન લેવી તે અનિશ્ચિતતા અંગે નિર્ણય કરવામાં અતિ વિલંબ કરવાથી લાખો વિદ્યાર્થી – વાલીઓ ચિંતા અને ડર – ભયમાં સમયપસાર કરી રહ્યાં હતાં.

 

એક તરફ કેન્દ્ર સરકાર સીબીએસઈની ધોરણ-12 ની પરીક્ષા અંગે નિર્ણય કરવા જઈ રહી હતી તેવા સમયે ગુજરાત સરકાર ધોરણ-12 ની પરીક્ષા અંગે સમયપત્રક જાહેર કરી રહી હતી. સરકારના અણઘડ નિર્ણયોથી લાખો વિદ્યાર્થી – વાલીઓ સતત તણાવમાં જીવી રહ્યાં હતાં. કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ – બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ પરીક્ષા રદ કરવા તાત્કાલીક નિર્ણય કરવા રજુઆત કરી હતી.

તેમણે વધુમાં ‘સરકાર 25મી મેના રોજ પરીક્ષા યોજાશે અને તે માટે બાળકોના ભવિષ્યની ચિંતા કરીને નિર્ણય કર્યો તેવી મોટી જાહેરાતો કરી, 1લી જુનના રોજ પરીક્ષા અંગેનું સમયપત્રક જાહેર કર્યું’’ અને તે જ ગુજરાતની સરકાર 21 કલાકમાં તેના નિર્ણયમાં ફેરબદલ કરીને પરીક્ષા રદ કરે છે. જે દર્શાવે છે કે, સરકાર ટેસ્ટીંગના, કોરોના પોઝીટીવ કેસના અને મૃત્યુના આકડાં છુપાવી રહી છે, હકીકતમાં જે જાહેર આંકડા થાય છે તેના કરતા અનેક ગણા કોરોના પોઝીટીવ અને મોતના આકડાં છે તે પરીક્ષા રદ કરવાના નિર્ણય પછી ફરી એક વખત આકડાંઓ છુપાવવાની રમત રમતી સરકારની પોલ ખોલી નાખી છે. સાથોસાથ ગુજરાતની ભાજપ સરકાર દિલ્હીની સુચના પછી જ નિર્ણય કરતી રબ્બર સ્ટેમ્પ સરકાર છે. જે દિલ્હીમાં જે નિર્ણય અંગ્રેજીમાં થયો હોય તેનું ગુજરાતી કરીને જાહેર કરે છે, તેનું એક વધુ આ ઉદાહરણ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે સાથોસાથ દિશા વિહીન પણ છે ધો – 10ના વિદ્યાર્થીઓને 13મી મેના રોજ માસ પ્રમોશન જાહેર થયાના આજે 20 દિવસ વીતી ગયા છતાં સરકાર આ વિદ્યાર્થીઓને કઈ રીતે માર્કશીટ આપશે તે અંગેની પધ્ધતિ શું હશે ? અને આ વિદ્યાર્થીઓને ધોરણ-11 માં પ્રવેશ માટે નીતિ શું હશે તેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરી નથી.

જે સરકારની અનિર્ણાયકતા અને અણઘડ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. ધોરણ-10ના રેગ્યુલર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાને લઈ માસ પ્રમોશન જાહેર કરનાર સરકાર ગુજરાતના ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓ અંગે કેમ મૌન છે ? શું રીપીટર વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણનો ભય અને ડર ન હોઈ શકે ? શું રીપીટર વિદ્યાર્થીઓ કોરોના પ્રુફ છે? શુ સરકાર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈ નિર્ણય કરતા સમયે માઈન્ડ એપ્લાય કરતા નથી? શું ત્રણ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ આપણા ગુજરાતના બાળકો નથી ? રાજ્યના ધોરણ-10ના ત્રણ લાખ કરતા વધુ રીપીટર વિદ્યાર્થીઓ માટે સરકાર તાત્કાલીક નિર્ણય કરવા માંગણી કરી છે.

(10:07 pm IST)