Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

હવે વોટની ભીખ માંગવા આવવું નહીં. :રોડ રસ્તાને લઈને સુરતીઓનો આક્રોશ : ભાજપના કોર્પોરેટરના ફોટાવાળા બેનરો લગાવી કર્યો વિરોધ

ગોપીપુરા મોટી છીપવાડમાં રહીશોએ મનપા સામે રોષ વ્યકત કર્યો:ચાર મહિનાથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં

સુરત : સુરતીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોનિફળિયા બાદ હવે સુરતના ગોપીપુરા મોટી છીપવાડમાં રહીશોએ મનપા સામે રોષ વ્યકત કર્યો છે. આ મહોલ્લામાં સ્થાનિકો દ્વારા બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સ્થાનિકોએ ભાજપના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો છપાવ્યા છે જેમાં લખ્યું છે કે તેઓએ હવે વોટની ભીખ માંગવા આવવું નહીં.

છેલ્લા 4 મહિનાથી રોડ બન્યો નથી, જેથી તેઓ પણ રોડની જેમ ખાડે જ ગયા છે. સ્થાનિકોનું જણાવવું છે કે છેલ્લા ચાર મહિનાથી તેઓ આ માટે રજૂઆતો કરીને થાકી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિત તમામ આ વિસ્તારની મુલાકાત લઈને લોકોને પડતી મુશ્કેલી તો જાણી ગયા છે પણ તેને દુર કરવા માટેના કોઈ પગલાં હજી સુધી ભર્યા નથી.સામે ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે તેવામાં રોડ રસ્તાની બદતર હાલત ભવિષ્યમાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કરશે તે નક્કી છે.

આ માત્ર એક વિસ્તારની વાત નથી પણ શહેરના તમામ આંતરિક રસ્તાઓ અને મુખ્ય માર્ગોની આ જ હાલત છે. વહીવટી તંત્ર સ્વીકારે છે કે ચાલુ વર્ષે કોરોના કામગીરીની વ્યસ્તતાના લીધે આ વર્ષે પ્રિમોન્સૂન કામગીરી પર ધ્યાન આપી શકાયું નથી. જેના કારણે લોકોને મુશ્કેલી પડી છે. પરંતુ હવે જ્યારે કેસો ઘટી રહ્યા છે, ત્યારે લોકોની ફરિયાદોને ધ્યાને લઈને તેના પર કામ કરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે તો વોટ લેવાની લાલચમાં કોર્પોરેટરો પ્રજાજનોને ખોટા ખોટા વાયદા આપે છે પણ એક વખત સત્તામાં આવી ગયા બાદ જે-તે વિસ્તારની મુલાકાત લેવાની પણ તસ્દી લેતા નથી તેવો સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે રોડ રસ્તાની બદતર હાલતને લઈને હાલમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:51 pm IST)