Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

અમદાવાદના વટવામાંથી 46 કિલો 325 ગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા

મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો મંગાવીને અમદાવાદમાં છુટક ગ્રાહકોને ગાંજો વેચાણ કરતા હતા

અમદાવાદ: મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો મંગાવીને અમદાવાદમાં છુટક ગ્રાહકોને ગાંજો વેચનાર બે આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. આ બંન્ને આરોપી પાસેથી 46 કિલો 325 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શહેરમાં ક્રાઈમબ્રાંચની ટીમ પ્રેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન બાતમી મળી હતી કે, વટવા સદાની ધાહી પાસે આવેલા અલબશર પાર્કના એક મકાનમાં શફીકઅહેમદ શેખ અને જાકીર અહેમદ ઉર્ફે કાલુ નાઓ તેમના મળતીયાઓ પાસેથી બે મીણીયાના થેલામાં અલગ અલગ સેલોટેપથી વીટાળેલ પડીકાઓમાં ગાંજો રાખ્યો છે. જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી દરોડો પાડ્યો ત્યારે બંન્ને આરોપી પાસેથી 46 કિલો 325 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.4.63 લાખ થાય છે.

બાદમાં બંન્ને આરોપીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, જાકીર ઉર્ફે કાલુ નાનો અગાઉ પોલીસની નજર ચુકવી ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂનો ધંધો કરતો હતો. જેમાં એક વાર પકડાયો પણ હતા અને જામનગર જેલમાં પાસા હેઠળ હતો ત્યારે સુરેશ પાટીલ સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં સુરેશ પાટીલનો સંપર્ક કરી મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો મંગાવીને અમદાવાદમાં છુટક ગ્રાહકોને વેચતા હતા.

(12:04 am IST)