Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પંચમહાલ જિલ્લામાં ઝોલા નકલી ડોકટરોનો રાફડો ફાટ્યો : ગ્રામ્ય વિસ્તારમાંથી 6 જેટલા બોગસ ડોકટરોની અટકાયત

SOGની ટીમે અલગ જગ્યાએ રેડ કરી 6 જેટલા બોગસ ડોકટરો ઝડપી : અલગ અલગ પ્રકારની દવાઓનો જથ્થો સહીત 4 લાખનો મુદામાલ કબ્જે કર્યો

પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં નકલી ડોકટરોનો રાફડો ફાટ્યો છે,  SOG પોલીસે ગોધરા શહેર સહીત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 6 જેટલા બોગસ ડોકટરોની અટકાયત કરી છે. સાથે કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ પણ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં હાલ ઘટાડો થયો છે,પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ સરકાર માટે એક પડકાર સમાન સાબિત થઈ રહ્યું છે. તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઝોલા છાપ ડોકટરો દવાખાના નામે હાટડીઓ ખોલી, ઈલાજના નામે દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તેમજ લોકો પાસેથી મોટી રકમ ઠગી રહ્યા છે.

જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કોઈ પણ ડિગ્રી વિના કેટલાક બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ખાનગી રાહે SOG પોલીસને બાતમી મળી હતી.

 

બાતમીના આધારે SOGની ટીમે અલગ જગ્યાએ રેડ કરી કુલ 6 જેટલા બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ઝોલા છાપ ડોકટરો પાસેથી 4 લાખ ઉપરાંતનો અલગ અલગ પ્રકારની દવાઓનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.

ગોધરા શહેરી વિસ્તારમાંથી 3 તેમજ કાલોલ ગ્રામ્ય વિસ્ત્તારમાંથી બે અને પાવાગઢ હદ વિસ્તારના શિવરાજપુરમાંથી એક લેભાગુ બોગસ ડોક્ટર ઝડપાયો હતો. કાલોલના એરાલ ગામેથી ઝડપાયેલા બંને ઝોલાછાપ ડોક્ટર પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગોધરા શહેરમાંથી ઝડપાયેલા ત્રણે બોગસ ડોક્ટરો મૂળ ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.

જો કે છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારોમાં આ પ્રકારે બોગસ ડોક્ટરોની ધમધમતી હાટડીઓને લઈ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ બોગસ ડોકટરોની હાટડીઓને લઈ અજાણ છે કે પછી આ પ્રકારના મામલાઓમાં આખા આડા કાન કરી રહ્યું છે? જેવા સવાલો સ્થાનિકોમાં ઉદ્ભવી રહ્યા છે.

(12:25 am IST)