Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

અમદાવાદના યુવા વકીલની દરિયાદિલી :અમરેલી અને શિયાળબેટ જઈને 1000 રાશનકીટ પહોંચાડી :100 લોકોને ઘર બાંધી આપશે

અમદાવાદમાંથી તેમના વકીલ મિત્રો, સેવાભાવી લોકો વગેરે મળીને ફંડ એકઠુ કરી ટુંક જ સમયમાં 100 જેટલા લોકોને ઘર બાંધી આપવાનું કામ કરશે.

અમદાવાદ : તાઉતે વાવાઝોડુ આવીને જતુ તો રહ્યું પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘણાયે ગામોમાં નુકશાની કરતુ ગયું છે. તેમાં કેટલાયે પરિવારોના ઝુંપડા અને ઘરવખરી ઉડી ગયાં છે. તેમના ઘર તરીકે છતરૂપી આભ છે અને નીચે જમીન છે. આવી પરિસ્થીતીમાં છેવાડાના ગામોમાં વસતા સ્થાનિકોને મદદની ખૂબ જરૂર છે.

સરકાર અને સ્વૈચ્છીક સંગઠનો મદદ કરી રહ્યાં હોવા છતા ત્યાં મદદની વધુ જરૂર હોવાની ખબર અમદાવાદના યુવા વકીલ ઉત્કર્ષ દવેને પડી. જે હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરે છે. તેમને અમરેલીના જ તેમના એક મિત્રએ ફોન કરીને કહ્યું હતું કે “અહીં ઘણા એવા વિસ્તારો છે જ્યાં જમીન, ખેતી અને ઘરોને નુકશાન થયું છે.

ઉના, રાજુલા, શિયાળબેટ, જાફરાબાદ અને વેરાવળના આંતરીયાળ ગામડાઓમાં હજુપણ સ્થિતી ખરાબ છે.

વકીલ ઉત્કર્ષભાઈ કહે છે કે ત્યાં લોકોને જમવા માટે પણ કંઈ નથી અને લાઈટ પણ નથી તેવી ખબર મળી. તેથી તરત જ મેં અને મારા સેવાભાવી મિત્રોએ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામ કરવા જવાનું નક્કી કર્યું. તેથી તેમણે 1હજાર જેટલી રાશન કીટ તૈયાર કરાવી અને અમદાવાદથી બધુ જ કામ પડતું મુકીને ત્યાં પહોંચી ગયાં વિતરણ કરવા. ત્યાં પોલીસ, સ્થાનિકો તેમજ સ્થાનિક સત્તાતંત્રની મદદથી તેઓ શિયાળબેટ સુધી જઈ આવ્યાં.

ત્યાં પહોંચીને જરૂરિયાતમંદોને 1 મહિના સુધી ચાલે તેટલુ રાશન પહોંચાડી આવ્યાં. ઉત્કર્ષભાઈ કહે છે કે હવે અમદાવાદમાંથી તેમના વકીલ મિત્રો, સેવાભાવી લોકો વગેરે મળીને ફંડ એકઠુ કરી રહ્યાં છે. ટુંક જ સમયમાં તેઓ 100 જેટલા લોકોને ઘર બાંધી આપવાનું કામ કરશે. ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે સલામ છે ઉત્કર્ષભાઇ જેવા યુવાઓને અને સ્વૈચ્છીક સેવા કરતા સંગઠનોને જે આવા જરૂરીયાતમંદોની મદદ માટે હરહંમેશ તૈયાર હોય છે.

(12:31 am IST)