Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ડાઈન-ઈન સુવિધા હજી પણ બંધઃ માત્ર પાર્સલ સેવાને મંજૂરી મળતાં રેસ્ટોરાંના માલિકો નિરાશ

રાજય સરકારે માત્ર ટેક અવે માટે રેસ્ટોરાં માટે એક કલાકનો સમય વધાર્યો : જીવન જરૂરિયાત સિવાયની વસ્તુઓની દુકાનો સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લી રહેશેઃ રેસ્ટોરાંના માલિકે, ડાઈન ઈન સુવિધાને મંજૂરી આપવાની માગ કરી

અમદાવાદ, તા.૩: ત્રણ અઠવાડિયાથી વધારે સમય માટે રિટેલ બંધ રહ્યા બાદ, રાજય સરકારે બુધવારે નિયંત્રણો હળવા કરતાં વેપારીઓ અને રેસ્ટોરાંના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજય સરકારે હજી એક અઠવાડિયા સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યું હોવા છતાં, તેમણે રેસ્ટોરાંને ટેક અવે સાથે રાતે ૧૦ વાગ્યા સુધી જયારે વેપારીઓને તેમની દુકાનો સવારે ૯ થી સાંજના ૬ સુધી ખુલી રાખવાની છૂટ આપી છે. આ પગલું, ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો મુજબ વેપારીઓ તેમજ રેસ્ટોરાંના માલિકો માટે ખૂબ જરૂરી તેવા રાહત સમાન છે.

'સમયમાં છૂટછાટ વેપારીઓને ચોક્કસપણે મદદ કરશે કારણ કે, ગ્રાહકોની સંખ્યા વધશે. અમે માત્ર એ જ આશા રાખીએ છીએ કે આ નિર્ણયને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે છે અને દુકાનો બંધ કરવા માટે પોલીસ કે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે', તેમ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું.

વેપારી નરેશ શર્માએ કહ્યું હતું કે, 'દુકાનો ૬ વાગ્યા સુધી ખુલી રાખવાની મંજૂરી મળતાં માગમાં વધારો કરવામાં મદદ કરશે અને ધંધામાં પણ વધારો થશે. મોટાભાગના ઓર્ડર ઓનલાઈન થઈ ગયા છે ત્યારે ધંધો કરવાનો વધુ સરળ બનશે'.

આ દરમિયાન, રેસ્ટોરાંના માલિકોને પણ લાગે છે કે, સરકારના નિર્ણયથી તેમના ધંધાને પુનઃર્જીવિત કરવામાં મદદ મળશે. 'આ ટેક અવે ઓર્ડરમાં વધારો કરવામાં મદદ કરશે કારણ કે ટાઈમમાં વધારો થતાં હવે અમને ઘણા ડિનર ઓર્ડર મળશે. લોકો ઘરેથી કામ કરી શકે છે અને ઓર્ડર આપી શકે છે, જે પહેલા નહોતું', તેમ એક કલાઉડ કિચનના માલિકે જણાવ્યું હતું.

'ડાઇવ-ઈન એ ધંધાનો મોટો સ્ત્રોત છે અને તેને બંધ કરવું તે સૌથી મોટુ નુકસાન છે. જો લોકો રોડ પર લાગેલા સ્ટોલ પર જઈને ખાઈ શકતા હોય તો પછી રેસ્ટોરાં પર નિયંત્રણો કેમ? આ સંબંધમાં કેટલીક છૂટ હોવી જોઈએ', તેમ શહેરમાં રેસ્ટોરાં ધરાવતાં દિલિપ ઠક્કરે કહ્યું હતું.

તો હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ અસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું હતું કે, 'કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યારે ડાઈન-ઈનને પણ મંજૂરી આપવી જોઈએ. ધંધો ટકી રહે તે માટે જરૂરી સાવચેતીઓ સાથે તેને મંજૂરી મળવી જોઈએ'.

(11:54 am IST)