Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

નડિયાદમાં તળાવની માટીના પ્રશ્ને ૨ પિતરાઇ ભાઇઓના પરિવારો વચ્ચે મારામારી-પથ્થરમારોઃ ૭થી વધુને ઇજા થતા સારવારમાં

નડીયાદ: ખેડા જિલ્લાના નડિયાદમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો કરવામાં આવતાં વાતાવરણમાં તંગદિલી સર્જાઇ હતી. આ ઘટનામાં 7થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતાં નડિયાદ પશ્વિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલી ટેલિફોન ઓફિસ પાસે તળાવની માટીને લઇને બે પિતરાઓ ભાઇઓના કુંટુંબ વચ્ચે માથાકૂટ થઇ હતી. એક કોમના બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારીના દ્વશ્યો સર્જાયા હતા. જેના લીધે તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાયું છે. આ ઘટનામાં 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે 3થી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા છે.

એક જ કોમના બે પિતરાઈ ભાઈઓના જૂથો વચ્ચે તળાવની માટીને લઇને માથાકૂટ થતાં મામલો બિચક્યો હતો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા બંને પક્ષના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતાં નડિયાદ પશ્વિમ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને બંને પક્ષોના નિવેદન લઇ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.

(4:37 pm IST)