Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર દ્વારા ૩ દિવસથી એકમો સીલ કરવાની કામગીરીઃ ફાયર સેફટીમાં બેદરકારી મુદ્દે અમદાવાદમાં ૧૬૦૦ યુનિટો સીલ

અમદાવાદ: કોરોના અંગે ગુજરાત સરકારની અનેક મામલાઓની નિષ્કાળજી અંગે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. છેલ્લા બે મહિનામાં સુનવણી દરમિયાન સરકારને અનેક મામલે ટકોર્યા છે. જેમાં ફાયર સેફ્ટીનો મુદ્દો પણ છે. ત્યારે આખરે સરકાર ઊંઘમાંથી જાગી છે. ફાયર સેફ્ટી અંગે સરકાર એક્શનમાં આવી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો કે, બીયુ પરમિશન કે ફાયર સેફ્ટી ન હોય તેવી તમામ ઇમારતોની યાદી તમામ શહેરો અને નગરપાલિકાઓ રજૂ કરે. ત્યારે અમદાવાદ મ્યુનિ.એ બીયુ પરમિશન, ફાયર સેફ્ટી નહિ ધરાવતા 1300 થી વધુ ઓફિસો, દુકાનો, હોટેલ, સ્કૂલો, રેસ્ટોરાં સહિતના એકમોને સીલ કર્યા છે. તો બીજી તરફ, સુરતમાં પણ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે.

અમદાવાદમાં 3 દિવસમાં 1600 થી વધુ યુનિટ સીલ કરાયા

અમદાવાદમાં બીયુ પરમિશન અને ફાયર noc મુદ્દે amc એ મોટી કાર્યવાહી કરી છે. હાઈકોર્ટની ટકોર બાદ છેલ્લાં ત્રણ દિવસથી એકમોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા 9 શાળાને સીલ કરવામાં આવી હતી. કુલ 10 સ્થળે 259 યુનિટ સીલ કરાયા છે. ગત 3 દિવસમાં 1600 થી વધુ યુનિટ સીલ કરાયા છે. હાઈકોર્ટના આદેશ બાદ amc ની કાર્યવાહી સામે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. જેથી હવે એએમસીનું તંત્ર દોડી રહ્યું છે.

તો બીજી તરફ, સુરતનું ફાયર વિભાગ પણ હરકતમાં આવ્યું છે. એક હોસ્પિટલ, બે સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. સીલ કરાયેલા એકમોમાં ફાયરના સાધનો અપૂરતા જોવા મળ્યા હતા. અગાઉ પણ આ તમામ એકમોને નોટિસ આપી સાધનો લગાવવા તાકીદ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના અંગેની જાહેરહિતની અરજી, સુઓમોટો દ્વારા હાઈકોર્ટે ગુજરાત સરકારને અનેક આદેશો કર્યા છે. હાઈકોર્ટે સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કોરોનાની સારવાર, ઈન્જેક્શનની અછત, ઓક્સિજનની અછત, આરટીપીસીઆર ટેસ્ટ, ફાયર સેફ્ટીના મુદ્દે સરકારને ટપાર્યા હતા. જેથી સરકાર પણ દોડતી થઈ છે.

(4:41 pm IST)