Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સુરતમાં કાપડના વેપારી પાસેથી 48 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેર ના રીંગરોડ સ્થિત જશ માર્કેટમાં અગાઉ ગ્રે કાપડનો વેપાર કરતા વરાછાના વૃદ્ધ વેપારી પાસેથી રૂ.48 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી દુકાન, ઘર અને ફોન બંધ કરી ફરાર થયેલા રીંગરોડ ગોલ્ડન પ્લાઝા માર્કેટના વેપારી વિરુદ્ધ સલાબતપુરા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વેપારીઓનું પેમેન્ટ નહીં કરનાર ગોલ્ડન પ્લાઝા માર્કેટના વેપારી વિરુદ્ધ અન્ય વેપારીઓએ પણ અગાઉ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ કમલબાગ સોસાયટી મકાન નં.81 માં રહેતા 59 વર્ષીય ભુપતભાઇ જીવરાજભાઇ નાકરાણી સાત વર્ષ અગાઉ પુત્ર નીતિન સાથે રીંગરોડ જશ માર્કેટમાં શુભ લક્ષ્મી ટેક્ષટાઈલના નામે ગ્રે કાપડનો વેપાર કરતા હતા. તે સમયે દલાલ સુનીલભાઈ જરીવાલા રીંગરોડ ગોલ્ડન પ્લાઝા માર્કેટની દુકાન નં.332-333 માં જય માતાજી ફેબ્રિક્સના નામે કાપડનો વેપાર કરતા ચિરાગ જુવાનસિંહ રાઠોડ ( રહે. દિનેશ નિવાસ, હેપ્પી પેલેસ પાસે, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત ) ને મળવા લાવ્યા હતા. ચિરાગે શરૂઆતમાં વાયદા મુજબ પેમેન્ટ કરતા ભૂપતભાઈએ તેને જુલાઈ 2014 થી મે 2016 દરમિયાન કુલ રૂ.48 લાખનું ગ્રે કાપડ ઉધારમાં આપ્યું હતું.

(4:50 pm IST)