Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કોરોના સેવાયજ્ઞ : એક લાખ કોરોના વોરિયર્સને કીટ આપવાના લક્ષ્યાંક સાથે ત્રીજા ચરણમાં 26 હજાર કીટના જથ્થાને પ્રસ્થાન કરાવતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી

કોરોના વોરિયર્સના મનોબળને મજબૂત કરવું આપણી ફરજ :રાજ્યપાલ: "કોરોના હારશે - ભારત જીતશે"ના સંકલ્પ સાથે ગુજરાતે કોરોના મહામારીના સામના માટે પરીણામલક્ષી પુરુષાર્થ કર્યો છે: મુખ્યમંત્રી

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, કોરોના મહામારી સમયે સંક્રમિતોના ઉપચાર માટે દિવસ-રાત સેવા બજાવતા કોરોના વોરિયર્સના મનોબળને મજબૂત કરવું એ સૌની ફરજ છે. ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા "કોરોના સેવાયજ્ઞ" અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાના જન અભિયાનમાં આજે ત્રીજા ચરણમાં 26,100 કીટના જથ્થાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઝંડી ફરકાવી રાજભવન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે આ સેવાયજ્ઞમાં સહયોગ આપનારા દાનશ્રેષ્ઠીઓનો આભાર માનતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, અન્યના કલ્યાણમાં જ પોતાનું હિત માનનારા લોકો જ ખરા અર્થમાં મહાન છે, અને અન્ય લોકોને જનસેવા માટે પ્રેરિત કરવાના પ્રેરણાસ્ત્રોત સમાન છે. રાજ્યપાલએ કોરોના મહામારીના સામના માટેની ગુજરાત સરકાર અને પ્રશાસને ઉઠાવેલી જહેમતને કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શક્યા છીએ તેમ જણાવી સરકાર અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. 
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે "કોરોના હારશે-ભારત જીતશે"ના સંકલ્પ સાથે ગુજરાતે કોરોના મહામારીના સામના માટે પરીણામલક્ષી પુરુષાર્થ કર્યો છે, તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મહામારીના સમયમાં રાજ્યપાલએ શરૂ કરેલા "કોરોના સેવાયજ્ઞ" બદલ રાજ્યની પ્રજાવતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીના સામના માટે સરકારના પુરુષાર્થ અને સમાજના સહયોગ દ્વારા ગુજરાતે ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે આ મહામારીના મુકાબલા માટે સંપૂર્ણ વેકસીનેશન અત્યંત આવશ્યક છે અને ગુજરાતે વેકસીનેશન માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરી છે.
આપત્તિના સમયમાં પણ ઓછામાં ઓછું સહન કરવું પડે તેવા અભિગમને કારણે જ તાજેતરના વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતમાં કોઈપણ હોસ્પિટલના વ્યવસ્થાતંત્રને કે ઑક્સીજનના સપ્લાયને ક્યાંય પણ ખલેલ પહોંચી નથી. તે અંગેની સરકારે સતત કાળજી લીધી હતી. મુખ્યમંત્રીએ દિવસ-રાત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સને ઈશ્વરે સેવાનો અવસર આપ્યો છે ત્યારે સરકાર અને સમાજ પણ તેમની સાથે છે, તેની પ્રતીતિ આવા સેવાકાર્યોથી થાય છે, તેમ પણ જણાવ્યું હતું. 
આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના મહામારીના સામના માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારે પરિણામલક્ષી કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે "કોરોના સેવાયજ્ઞ" માટે રાજ્યપાલનો આભાર માન્યો હતો. પ્રસિદ્ધ ક્રિકેટર અને ગુજરાતના પનોતા પુત્ર ઈરફાન પઠાણે જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય કરવા માટે જ્યારે કાર્યકર્તાઓની ટીમ બની જાય છે, ત્યારે વિજય દૂર નથી હોતો. ગુજરાતે એક ટીમ બનીને કાર્ય કર્યું છે અને સફળતા મેળવી છે. 
આ પ્રસંગે રાજ્યપાલએ ઉપસ્થિત દાનશ્રેષ્ઠીઓ-સંતો-મહંતો અને સ્વયંસેવી સંસ્થાના પ્રતિનિધિઓનું શાલ ઓઢાડી સમ્માન કરી તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના સેવાયજ્ઞના આ ત્રીજા ચરણમાં અમદાવાદ જિલ્લામાં 2750 કીટ, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલ્સ ઉપરાંત કોરોના ટેસ્ટિંગ અને ફિલ્ડ વેકસીનેશન ટીમ તેમજ આશાવર્કર અને હેલ્પરને મળી 7350 કીટ, વલસાડ હોસ્પિટલ્સમાં 1000 કીટ, દાહોદ હોસ્પિટલ્સમાં 5000 કીટ તેમજ પંચમહાલ હોસ્પિટલ્સમાં 10,000 કીટ મળી કુલ 26,100 કિટનું મહાનુભાવોના હસ્તે ઝંડી ફરકાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

(7:59 pm IST)