Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલા પશુઓ માટે જૂન – જુલાઇ બે મહિના પશુદિઠ રૂ. રપ દૈનિક સહાય રાજ્ય સરકાર આપશે

રૂ. ૭૦ કરોડનો આર્થિક બોજ સરકાર વહન કરશે: કોરોના - કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં અબોલ પશુજીવો પ્રત્યે મુખ્યમંત્રીની સંવેદના

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતીને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલા પશુઓ માટે પશુદિઠ દૈનિક રૂ. રપ સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે.

  રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના આશરે ૪.૫૦ લાખ જેટલા પશુઓ માટે જૂન-જુલાઇ એમ બે મહિના સુધી પશુદિઠ રોજના રૂ. રપની સહાય રાજ્ય સરકાર આપશે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને વરિષ્ઠ સચિવઓની ઉપસ્થિતીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  
આ સહાય આપવાને પરિણામે રાજ્ય સરકાર અંદાજે રૂ. ૭૦ કરોડનો વધારાનો બોજ વહન કરશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન મુખ્યમંત્રીએ આવી રૂ. રપની દૈનિક પશુ સહાય એપ્રિલ-૨૦૨૦ અને મે-૨૦૨૦ મહિનામાં પણ  પાંજરાપોળ ગૌશાળાઓ માટે જાહેર કરેલી હતી અને જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તે ગૌશાળા-પાંજરાપોળને પહોચાડવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ પશુઓ-અબોલ જીવોને ઘાસચારો મળી રહે તે માટેની સંવેદના દર્શાવી આ સહાય આ વર્ષે જૂન-૨૦૨૧ અને જુલાઇ-૨૦૨૧ એમ બે મહિના માટે આપવાનો નિર્ણય કર્યો છે.

(9:54 pm IST)