Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કોરોના મહામારીને કારણે અનેક લોકોના જીવન પ્રભાવિત થયા

હું તેને પ્રેમ કરી શકતી નથી... મ્યુકોરને કારણે ચહેરો બદલાઇ ગયો તો પત્ની દુવિધામાં મુકાઇ ગઇ...

'લગ્નનો અંત લાવુ કે જીવનનો અંત લાવુ...' હજી તો લગ્નને થોડા જ દિવસો થયા છે અને પતિને મ્યુકોરને કારણે આંખ અને જડબું કાઢવું પડ્યું, પતિના બદલાયેલા ચહેરાને જોઈ નથી શકતી પત્ની

અમદાવાદ તા. ૩ : ૨૮ વર્ષીય નવવધૂના કોરોના મહામારીના સમયમાં લગ્ન થયા પરંતુ લગ્નના ગણતરીના મહિનાઓમાં જ તેના જીવનમાં આટલી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો. લગ્નના થોડ જ દિવસો પછી તેના પતિને કોરોના થઈ ગયો. અને કોરોના થયા પછી તેણે મ્યુકોરમાઈકોસિસનો પણ સામનો કરવો પડ્યો. જીવન બચાવવા માટે તેના પતિની આંખો અને જડબાને નીકાળવા પડ્યા.

મહિલા માટે હવે આ દુવિધાની સ્થિતિ છે. જીવન આસ્થા હેલ્પલાઈનને ફોન કરીને મહિલાએ પોતાની આપવીતી જણાવી અને કહ્યું કે, હું તેના ચહેરાને જોઈ નથી શકતી અન પ્રેમ નથી કરી શકતી. મને તેના અને તેના પરિવાર પ્રત્યે પૂરી સહાનુભુતિ છે પરંતુ મેં તેમની સાથે ઘણો ઓછો પસાર કર્યો છે અને આ મેડિકલ ક્રાઈસીસમાં સાથ આપવો મારા માટે મુશ્કેલ બની રહ્યો છે. મારી પાસે બે જ વિકલ્પો છે- મારા જીવનનો અંત લાવુ અથવા લગ્નનો અંત લાવુ.

લગભગ દોઢ કલાક ચાલેલા આ ફોન કોલમાં મહિલાએ સ્વીકાર્યું કે, તે એવા વ્યકિત સાથે નથી રહી શકતી જેનો ચહેરો કાળી ફંગસને કારણે સંપૂર્ણ બદલાઈ ગયો હોય. જીવન આસ્થા ગ્રુપના સીનિયર કાઉન્સિલર પ્રિયંકા અડાલજા જણાવે છે કે, યુવતીએ મને જણાવ્યું કે આંખ અને જડબું કાઢી નાખવાને કારણે તેનો સંપૂર્ણ ચહેરો બદલાઈ ગયો છે. હું તેને પ્રેમ કરવા માંગુ છુ પરંતુ નથી કરી શકતી. લગ્નના આટલા ઓછા સમયમાં આટલું મોટું બદિલાન મારાથી આપી શકાશે કે નહીં તે એક પ્રશ્ન છે. અમે તેને સમજાવી કે જીવનનો અંત લાવવો એ કોઈ વિકલ્પ નથી. કોઈ પણ નિર્ણયના તમામ પાસાનો વિચાર કર અને પછી નિર્ણય લો. અમે તેને આ બાબતે પોતાના માતા-પિતા સાથે વાત કરવાની સલાહ આપી અને પછી આગળના સેશન માટે ફોન કરવાનું કહેવામાં આવ્યું.

માર્ચ, ૨૦૨૦માં કોરોનાની શરુઆત થઈ ત્યારથી જ તેના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા છે. માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાંતો જણાવે છે કે પાછલા એક વર્ષમાં અને ખાસકરીને બીજી લહેર પછી લોકોના માનસિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે. જીવન આસ્થા હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર જણાવે છે કે કોરોનાની બીજી લહેર પછી તેમના ત્યાં આવતા ફોનની સંખ્યામાં ઘણો વધારો થયોછે. ગાંધીનગર પોલીસ દ્વારા ચાલતી હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર પ્રવિણ વાલેરા જણાવે છે કે, પહેલા દિવસમાં ૪૦-૫૦ ફોન આવતા હતા, હવે તેની સંખ્યા વધીને ૯૦-૧૦૦ થઈ ગઈ છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકોની સમસ્યા હોય છે – કોવિડનો ભય, કોરોના થઈ જવાની બીક, નોકરી જવાનો ભય અથવા નાણાંકીય સ્થિતિ બગડી જવાનો ભય, પતિ-પત્નીના સંબંધોની સમસ્યાઓ, નશો, બાળકોમાં ધ્યાન કેન્દ્રિત ના કરી શકવાની ફરિયાદ વગેરે વગેરે. ગવર્નમેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના મેડિકલ સુપ્રીટન્ડન્ટ ડોકટર અજય ચૌહાણ જણાવે છે કે, બીજી લહેર પછી દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ૬૦ ટકાથી વધારે દર્દીઓની સમસ્યા કોરોનાને લગતી જ હોય છે.

(11:38 am IST)