Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કપાસીયા ખોળમાં ભેળસેળ કરી પશુઓના જીવ જોખમમાં મુકનારાઓને ઉઘાડા પડાશે

કિસાન સંઘ અને કપાસીયા ઓઇલ મિલ માલીકોની મીટીંગમાં લેવાયો મહત્વનો નિર્ણય

રાજકોટ તા. ૩ : છેલ્લા ઘણા સમયથી શુધ્ધ કપાસીયા ખોળના નામે ખાદ્ય તેમજ અખાદ્ય વસ્તુની ભેળસેળનું દુષણ વધ્યુ છે. આ દુષણને અટકાવવા અલગ અલગ એસોસીએશનો દ્વારા રજુઆતો થઇ છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતો અને માલધારીઓને સાથે રાખી આ દુષણ અટકાવવા જયોત પ્રગટાવવામાં આવી છે. જેમાં ગુજરાત કપાસીયા ઓઇલ મિલોના માલીકોનું પણ સમર્થન મળેલ છે.

કપાસીયા ઓઇલ મિલ માલિકોની એક મીટીંગ આ સંદર્ભે રાજકોટ ખાતે મળી હતી. જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા, ઓલ ગુજરાત મિલ એસો.ના પ્રમુખ પ્રહલાદભાઇ પટેલ, ઓલ ગુજરાત મિલ એસો.ના પૂર્વ પ્રમુખ ગોરધનભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ સૌ.મિલ એસો. રતિલાલભાઇ પટેલ, કપાસીયા ખોળ દલાલ એસો.ના પ્રમુખ અવધેશભાઇ સેજપાલ, અગ્રણી મિલ માલિક ગોંડલ પોપટભાઇ પટેલ, સાઇબાબા મિલ (તળાજા), બાબુભાઇ પટેલ (દુધધારા), અરવિંદભાઇ (પાન એગ્રી), દીપકભાઇ (કાકા બ્રાંડ), જાદવભાઇ (સી.કે.), દિનેશભાઇ (રઘુવંશી), માલધારી સમાજ ગૌશાળાના આગેવાનો તેમજ ઓઇલ મિલ માલીકો અને કિસાન સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભેળસેળ કરતી મિલોને ખુલ્લી પાડવા અને આવી ભેળસેળ બંધ થાય તે માટેના પગલા ભરાવવા મીટીંગમાં નિરધાર કરાયો હતો. તેમ કપાસીયા ખોળ દલાલ એસો.ના પ્રમુખ અવધેશભાઇ સેજપાલ (મો.૯૪૨૬૨ ૧૬૮૬૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:08 pm IST)