Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગાંધીનગરમાં સે-21માં મોબાઈલની દુકાનનું શટર તોડી તસ્કરો 4.16 લાખની ચોરી કરી ફરાર

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના સે-ર૧માં આવેલી મોબાઈલની દુકાનનું શટર તોડીને તસ્કર તેમાંથી મોબાઈલ એસેસરીઝ અને નવા મોબાઈલ મળી ૪.૧૬ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયો હતો. જે સંદર્ભે દુકાન માલિકને સવારે જાણ થતાં આ મામલે સે-ર૧ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આ તસ્કરની શોધખોળ આદરી છે.    

ગાંધીનગરમાં આમ તો શિયાળાની ઋતુ દરમ્યાન ચોરીની ઘટનાઓ વ્યાપક બનતી હોય છે પરંતુ કોરોના કાળ બાદ આ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તસ્કરો ચોરી કરવામાં સફળ થઈ રહયા છે ત્યારે ગાંધીનગરના સેકટર-ર૧માં આવેલી ચંદન એન્ટરપ્રાઈઝ નામની મોબાઈલની દુકાન ધરાવતાં મુકેશભાઈ લક્ષ્મીચંદ શાહ રહે.બંગલા નં.૪શ્રી સોસાયટી આંબાવાડીએ ફરીયાદ નોંધાવી હતી કે ગત બુધવારની રાત્રે તેમણે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા દરમ્યાનમાં ગઈકાલે સવારના સમયે તેમના નાનાભાઈ નલીનભાઈ દુકાન ઉપર પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આપણી દુકાનના શટરનો વચ્ચેનો ભાગ ઉંચો થયો છે અને ચોરી થઈ હોય તેમ લાગે છે. દુકાનના સીસીટીવી ફુટેજ ચકાસતાં એક ઈસમ દુકાનમાં પ્રવેશ કરીને ચોરી કરતો હોવાનું જણાયું હતું. જો કે દુકાનમાં લાઈટો બંધ હોવાના કારણે તેનો ચહેરો દેખાયો નહોતો. બપોરના સુમારે મુકેશભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા અને આ મામલે સે-ર૧ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ૪.૧૬ લાખની કિંમતના મોબાઈલ અને એસેસરીઝની ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે. 

 

(6:07 pm IST)