Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

આણંદમાં સવારના સુમારે શીખોડ તલવાડી વિસ્તારમાં 76 વર્ષીય સ્થાનિકને ગાયે નાળામાં નાખી દેતા અફડાતફડી મચી જવા પામી

 આણંદ:શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી રખડતા પશુઓનો ત્રાસ બેફામ બન્યો છે ત્યારે આજે સવારના સુમારે શહેરના શિખોડ તલાવડી વિસ્તારમાં એક ૭૬ વર્ષીય સ્થાનિકને વિફરેલી ગાયે બાનમાં લઈ આ વૃધ્ધને માર્ગ નજીક આવેલ પાણી નિકાલના નાળામાં નાખી દેતા ભારે અફડા-તફડી મચી હતી. દરમ્યાન આણંદ નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ વિફરેલી ગાયને હાંકી કાઢી ૭૬ વર્ષીય વૃધ્ધને સારવાર અર્થે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

છેલ્લા ઘણાં સમયથી આણંદ શહેરના નવા બસ, મહેન્દ્ર શાહ, લોટીયા ભાગોળ, શિખોડ તલાવડી, ગણેશ ચોકડી, આણંદ-વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ બેફામ બન્યો છે. આણંદ પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પુરવા કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે ગણ્યા-ગાંઠયા પશુઓ પાંજરે પુરાયા બાદ આ કામગીરી મંદ પડી જાય છે. તાજેતરમાં પણ પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને ઝબ્બે કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ ટીમને હાથ એકપણ પશુ લાગ્યું ન હતું. રખડતા પશુઓની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર દ્વારા એજન્સીને કોન્ટ્રાક્ટ આપવા સુધીની કામગીરી કરાઈ હોવા છતાં સમસ્યા યથાવત રહેવા પામી છે. શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓ વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ભારે આફતરૂપ હોવા છતાં આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા જાગૃતોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

(6:09 pm IST)