Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગુજરાતમાં એકમાત્ર સુરતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક-વી ઉપલબ્ધ

રજીસ્ટ્રેશન કરાવીને નાગરિકો આ વેકિસન લેવા માટે એપોઈમેન્ટ લઈ શકે

સુરત :ગુજરાતમાં એકમાત્ર સુરતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક-વી આપવામાં આવી રહી છે. કિરણ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવીને નાગરિકો આ વેકિસન લેવા માટે એપોઈમેન્ટ લઈ શકે છે.

કિરણ હોસ્પિટલમાં બે દિવસમાં 200 થી વધુ વ્યક્તિઓએ સ્પુટનિક-વી વેક્સિનનો ડોઝ લીધો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત કેન્દ્ર પર મુખ્યત્વે કોવીશિલ્ડ આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ ફક્ત કિરણ હોસ્પિટલ પાસે રશિયાની સ્પુટનિક વેકસિન ઉપલબ્ધ છે. અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ કોવેક્સીનનો ડોઝ મૂકવામાં આવે છે.

કિરણ હોસ્પિટલમાં પહેલા દિવસે sputnik V વેકસીનના 70 જેટલા ડોઝ મૂકવામાં આવ્યા હતા, જ્યારે આજે 3 જુલાઈએ બીજા દિવસે 96 વ્યક્તિઓએ આ વેક્સિનનો ડોઝ લીધો હતો. કિરણ હોસ્પિટલના મેડિકલ ડિરેકટર મેહુલ પંચાલના જણાવ્યા પ્રમાણે આ વેકસીનની કિંમત રૂ.1145 છે. સ્પુટનિક વેકસીનના બંને ડોઝ અલગ હોય છે. જેના કારણે કોરોના સામે રક્ષણ વધારે મળે છે. કોવિશીલ્ડ અને કોવેક્સીન કરતા આ રસીમાં 92% થી 95% પ્રોટેક્શન મળે છે.

ગુજરાતમાં સુરતમાં જ પહેલી વાર રશિયાની આ sputnik V વેક્સિન ઉપલબ્ધ છે. રોજના 100 ડોઝનું વિતરણ કરવામાં આવે છે. જેમ જેમ સપ્લાય આવશે તેમ ડોઝ વધારવામાં આવશે.આ વેકસીનને અમુક દેશોની મંજૂરી મળી ચુકી છે જ્યારે અમુક દેશોમાં મંજુરી આપવાની પ્રક્રિયા ચાલે છે. કોવિસીલ્ડ, કોવેક્સીન કરતા પણ સૌથી વધુ રક્ષણ સ્પુટનિક-વી આપે છે. હાલ સ્પુટનિક લાઈટ વેક્સિનનું પણ સંશોધન થઈ રહ્યું છે જેને દુનિયાના બીજા દેશોને મળતા હજી 5 મહિના જેટલો સમય થશે.

(10:52 pm IST)