Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

બોરસદ-તારાપુર હાઇવે નજીક બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમને બિનવારસી હાલતમાં 485 પેટી દારૂના જથ્થા સાથે 27 લાખ ઉપરાંતનો મુદામાલ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી

આણંદ:જિલ્લાના બોરસદ-તારાપુર હાઈવે માર્ગ ઉપર આવેલ ડભાસી ગામ નજીકથી બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમને બગાસુ ખાતા પતાસુ હાથે લાગ્યું હતું. બિનવારસી હાલતમાં પડેલ એક કન્ટેનરમાંથી પોલીસને ૪૮૫ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂ.૧૭ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે કુલ્લે રૂ.૨૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમ ગઈકાલ સમીસાંજના સુમારે પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બોરસદ-તારાપુર હાઈવે માર્ગ ઉપર આવેલ ડભાસી ગામના બસ સ્ટેન્ડથી નવા બની રહેલ ટોલટેક્ષ તરફ જવાના માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલ કન્ટેનર બિનવારસી હાલતમાં પડયું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચતા એક કન્ટેનર બિનવારસી હાલતમાં પડયું હોવાનું જણાયું હતુ અને તપાસ કરતા ચાલકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી પોલીસે શંકાના આધારે કન્ટેનરમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ કન્ટેનર પોલીસ મથકે લાવી ગણતરી કરતા વિદેશી દારૂની કુલ ૪૮૫ પેટીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ.૧૭.૪૬ લાખ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા કન્ટેનર મળી કુલ્લે રૂ.૨૭.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનરના નંબરના આધારે તપાસ કરતા આ કન્ટેનર રાજસ્થાનના રાજગઢ ખાતે રહેતા હરદીપસિંગ ધરમસિંગના નામે હોવાનું ખુલવા પામ્યું હતું.

(6:18 pm IST)