Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ગુજરાતમાં મન પડે ત્યારે વિજળીના ભાવ વધારા સામે ગુજરાતના અધિકારઓનો કાન આમળતા કેન્દ્રના ઉર્જા સચિવ

શા માટે ઉંચા ભાવે વિજળી ખરીદી ગ્રાહકો પર બોજ નાખો છો ? કર્યો વેધક સવાલ

ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકારના ઉર્જા વિભાગ સહિતના અધિકારીઓના મનમાં એમ છે કે કેન્દ્રમાં 'માં પીરસનાર છે એટલે ઘાટ મોસાળ નો,ગુજરાતમાં જેમ વહીવટ કરીશું તેમાં કોઈ ચૂં કે ચાં નહિ કરી શકે. પરંતુ ઊલટું થયું. કેન્દ્રના ઉર્જા સચિવે ગુજરાતના અધિકારીઓને તતડાવતા પૂછ્યું કે, ઊંચા ભાવે વીજળી ખરીદી 1 કરોડ 20 લાખ વીજ વપરાશકારો આર્થિક બોજ શા માટે નાખો છો ?

વીજળી ઉત્પાદનમાં ગુજરાતમાં યુનિટ દીઠ રૂપિયા 3 ના ભાવે સરકારને પરવડતી વીજળી પડતી મૂકીને ખાનગી ઉત્પાદકો પાસેથી પ્રતિ યૂનિટ રૂપિયા 8 થી 10ના ભાવે વીજળી ખરીદાઈ રહી છે.આ વચ્ચે, ગુજરાતના ગ્રાહકો માથે આર્થિક બોજ પણ પડે છે. આ મુદ્દે ગુજરાતના ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓને કેન્દ્રના ઉર્જા સચિવે અન્ય રાજ્યોના અધિકારીઓની હાજરીમાં રીતસર ઉધડો લઇ લીધો.અને લાગલો સવાલ કર્યો કે, ગુજરાતમાં 4000 મેગાવોટ પાવર ઉત્પાદ કરવાની ક્ષમતા ધરાવતું ટાટા પાવર માત્ર 800 મેગાવોટ વીજ ઉત્પાદ કેવી રીતે કરે છે ? શું સરકાર ટાટા પાવર સાથે કરાર ના કરતી હોવાથી બહારની ખાનગી કંપની પાસેથી મોંઘી વીજળી ખરીદી વીજ વપરાશકારો પર બોજ વધારી રહી છે.પોતાની વીજળી ઉત્પાદ ના કરી શકતા એકમને વીજ ઉત્પાદ ન કરવા દઈ,તેમનો મેન્ટેનન્સ ખર્ચ -કર્મીઓના પગારનો ખર્ચ ચૂકવી દઈ,ગ્રાહકોના વીજદરમાં તે થોપી દઈને વીજળી મોંઘી બનાવાઈ રહી છે.

ગુજરાતના IAS અધિકારીઓ બોર્ડ-નિગમના હોદ્દેદારો વહીવટીય દૃષ્ટિએ માને છે કે, પાંચે'ય આંગળા ઘી'માં છે.રાજ્યમાંથી અર્ધો ડઝન પ્રસાશનિક અધિકારીઓ કેન્દ્રમાં છે. કેન્દ્રિય ગૃહમંત્રી અને વડાપ્રધાન પણ ગૃહ રાજ્યના છે.એટલે કેન્દ્રમાં કોઈ વાળ વાંકો કરી શકે તેમ ના હોવાના કેફમાં રાચતા ઉર્જા વિભાગને કેન્દ્રીય ઉર્જા સચિવ આટલી હદે તતડાવી નાખશે તેવી કલ્પના સુદ્ધા નહોતી.અન્ય રાજ્યોના અધિકારીઓની ઉપસ્થિતિમાં એવું પણ પૂછાયું કે, વરસો પહેલા ગુજરાત સરકારે વીજ ખરીદવાના કરાર પર આખરી મહોર મારવાનું ટાળી દઈ,ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓ એગ્રીમેન્ટને અદ્ધરતાલ રાખી રહ્યા છે? ટાટા પાવરનો એગ્રીમેન્ટ કેમ નથી સુધરી શકતો ? વિભાગના આવા વલણના કારણે જ ટાટા પાવર ક્ષમતા કરતા માત્ર 20 ટકા જ વીજ ઉત્પાદ કરી માત્ર 800 મેગા વોટ વીજ ઉત્પાદ કરે છે.કેન્દ્રીય સચિવના તાતાતીરથી ઘેરાઈ ગયેલા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર શાહમીના હૂસેન,દિલ્લીના વરસાદી માહોલમાં વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલમાં પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.

ગુજરાતમાં ટાટા પાવરનો એગ્રીમેન્ટ મુસદ્દો અંતિમરૂપમાં આવી ગયા પછી પણ ઉર્જા વિકાસ નિગમે પાછળથી સૂચિત શરતો છતાં વીજ ખરીદી કરારને દસ્તખતના રૂપમાં તૈયારી દર્શાવી નહિ. પરિણામે,ટાટા પાવર અને ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડના ડીરેક્ટર વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.આવા સંજોગોમાં,ગુજરાતના અંદાજે સવા કરોડ વીજ વપરાશકારો માથે યૂનિટ દીઠ રૂપિયા 8 થી 10નો ભાવ રીતસર આર્થિક બોજ છે. સરકારની કૂટીલ નીતિ અને વહીવટના કારણે નાગરીકોને માર સહન કરવો પડી રહ્યો છે.

(10:08 pm IST)