Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સાઇબર પોલીસે પડોશીનું એકાઉન્ટ ખાલી કરનારા સુરતના યુવાનને પકડી પાડ્યો

વલસાડના રહીશે વિશ્વાસ રાખી તેના જૂના પડોશીને એટીએમ કાર્ડ આપ્યું હતુ

(કાર્તિક બાવીશી  દ્વારા )વલસાડના ગુંદલાવમાં રહેતા એક રહીશે તેના સુરતના પડોશી યુવાનને વિશ્વાસ રાખી એટીએમ કાર્ડ આપ્યું હતુ. જેના થકી યુવાને 7 મહિનામાં વૃદ્ધનું બેંક એકાઉન્ટ જ ખાલી કરી નાખ્યું હતુ. જેના પગલે વૃદ્ધે વલસાડ સાઇબર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પૈસા ઉપાડી લેનારાને પકડી પાડ્યો હતો.
  વલસાડના ગુંદલાવમાં રહેતા ગોરધનભાઇ રાઠોડ પહેલા સુરત રહેતા હતા. તેની પડોશમાં કૃણાલ વસંત પવાર નામનો યુવાન રહેતો હતો. એક વખત ગોરધનભાઇને પૈસાની જરૂર હોય તેમને પૈસા ઉપાડતા આવડતું ન હોય તેણે યુવાનને કાર્ડ આપ્યો હતો. ત્યારે યુવાને એટીએમ કાર્ડ અને તેની પીન વડે ડમી પેટીએમ વોલેટ એકાઉન્ટ બનાવી દીધું હતુ અને ધીમે ધીમે તેમાં પૈસા જમા કરાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેનો લોભ વધતો ગયો અને તેણે ધીરે ધીરે ગોરધનભાઇના ખાતામાંથી રૂ. 3.23 લાખની રકમ ઉપાડી લઇ આખું બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું હતુ. એકાઉન્ટ ખાલી થઇ જતાં ગોરધનભાઇએ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસની મદદ લીધી હતી. જેમાં તેના પડોશી કૃણાલે જ તેની સાથે ઠગાઇ કરી પૈસા ઉપાડી લીધા હોવાનું બહાર આવતા પોલીસે કૃણાલની તાત્કાલિક ધોરણે તેને પકડી પાડ્યો હતો.
કૃણાલે આ પૈસા જુગારમાં તેમજ અન્ય મોજશોખમાં ખર્ચી કાઢ્યા હતા. કૃણાલ જુગારના કેસમાં અગાઉ પકડાયો પણ હતો. છતાં તેની આ લત જતી ન હોય પૈસા મેળવવા તેણે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતુ.

(12:21 pm IST)