Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

યુગાન્ડાના ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ ૨૪ મીથી ગુજરાતની મુલાકાતે

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પ્રયાસોની ફળશ્રુતિ : રાજકોટ અને અમદાવાદમાં ૭ દિવસ ચાલશે બી ટુ બી મીટ : ફેકટરી વિઝીટ

રાજકોટ તા. ૩ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રયાસોની ફળશ્રુતિરૂપે યુગાન્ડાનું હાઇ લેવલ બિઝનેશ ડેલીગેશન  તા. ૨૪ મીથી ગુજરાતની મુલકાતે આવી રહ્યાનું મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાની યાદીમાં જણાવાયુ છે.

તા. ૨૪ થી ૩૦ એમ ૭ દિવસ રાજકોટ અને અમદાવાદમાં બી ટુ બી મીટ તેમજ ફેકટરી વિઝીટ કરાશે. યુગાન્ડાના હાઇ કમિશ્નરે મુકેલ ડીમાન્ડ પ્રમાણે ડેરી અને આઇસક્રીમ પ્લાન્ટ તેમજ મશીનરી પ્લાન્ટને અગ્રતા અપાઇ છે.

આ મુલાકાતનો ઉદેશ્ય અહીના પ્લાન્ટઠ અને મશીનરીની ખરીદી તેમજ અહીંના ઉદ્યોગો સાથે એગ્રીમેન્ટ કરી તૈયાર માલ ખરીદવા ઉપરાંત મશીનરી, પ્લાન્ટ કે પ્રોજેકટ ખરીદવાની અને ટ્રેનીંગ પુરી પાડવાની તકો ઉભી કરવાનો હોવાનું જણાવેલ છે.

આ પ્રવાસ દરમિયાન તા. ૨૪ મીએ રાજકોટમાં આગમન સાથે ૩ દિવસ બી ટુ બી મીટ તથા ફેકટરી વિઝીટ તેમજ તા. ૨૭ થી ૩૦ સુધી અમદાવાદની વિઝીટ ગોઠવવામાં આવી છે.

યુગાન્ડાના ડેલીગેશનની સંપૂર્ણ વ્યવસ્થા જાળવવા સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઇ નગદીયા, કેતનભાઇ વેકરીયા, નિશ્ચલ સંઘવી, દિનેશભાઇ વસાણી, મયુર ખોખર, લવ પીઠવા, ધનપત માલુ, ધર્મેન્દ્ર જોશી, સુભાષ ગઢવી, દિગંત સોમપુરા, આનંદ દાવડા, દીવેન પડીયા, કુશલ ખાનપરા, મહર્ષિ નિમાવત વગેરે જહેમત ઉઠાવી રહ્યાનું એસયુવએમ (મો.૯૪૨૬૨ ૫૪૬૧૧) ની યાદીમાં જણાવાયુ છે.

(4:10 pm IST)