Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કલોલમાં ગાર્ડનસીટી વસાહતમાં બ્લાસ્ટ થતા પોલીસે બે અધિકારીઓની ધરપકડ કરી

કલોલ:તાલુકાના સઈજ ગામની સીમમાં ઓએનજીસીની બંધ લાઈન ઉપર ઉભી કરવામાં આવેલી ગાર્ડન સીટી વસાહતમાં ગત તા.રર ડીસેમ્બરે વહેલી સવારે ધડાકો થયો હતો અને આસપાસની ધરા ધુ્રજી ઉઠી હતી. જેમાં બે મકાન પણ ધરાશયી થયા હતા. એટલું જ નહીં ત્રણ વ્યક્તિઓના મોત નીપજયા હતા. આ ધડાકો કેવી રીતે થયો તે જાણવા માટે વહીવટી તંત્રની સાથે પોલીસે પણ મથામણ શરૃ કરી હતી અને એફએસએલને સ્થળ ઉપર બોલાવી જરૃરી નમુના લેવામાં આવ્યા હતા. જેમાં વસાહતની નીચેથી ઓએનજીસીની બંધ લાઈન પસાર થતી હોવાનું બહાર આવ્યું હતું. જો ઓએનજીસીની લાઈન જમીનમાંથી પસાર થતી હોય તો આ જમીન ઉપર બાંધકામ માટે એનઓસી કેવી રીતે મળી તે મામલે તપાસ શરૃ કરાઈ હતી અને ઓએનજીસીના અધિકારી દિપક જગેન્દ્રનારાયણ નારોલીયા રહે.એ-૩૦૧ સંગાથ સિલ્વર ફલેટમોટેરા અને હેડ ડ્રાફટમેન ઘનશ્યામ જીવાભાઈ પટેલ રહે.શ્રીરંગ ઉપવન રાયસણ દ્વારા એનઓસી આપવાનું બહાર આવ્યું હતું. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસે આ બન્ને આરોપીઓની સાથે એનઓસી માંગનાર બિલ્ડર સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આ કેસની તપાસ ગાંધીનગર એલસીબી પીઆઈ જે.એચ.સિંધવે શરૃ કરી હતી અને ગઈકાલે મોડી સાંજે દિપક નારોલીયા અને ઘનશ્યામભાઈ પટેલ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેમને કોર્ટમાં રજુ કરવા માટેની તજવીજ પણ શરૃ કરાઈ છે. આરોપીઓએ કોના કહેવાથી આ એનઓસી આપી હતી અને આ અંગે કોઈ નાણાંકીય વ્યવહાર થયો હતો કે નહીં તે તમામ મામલે પોલીસ તપાસ શરૃ કરાઈ છે અને એટલું જ નહીં આ ગુનામાં અન્ય આરોપીઓને પકડવા માટે પણ દોડધામ શરૃ કરાઈ છે. 

(5:35 pm IST)