Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સુરતમાં ટેણીયાને તેના પિતાએ બાઇક ન લઇ આપતા મોજશોખ માટે માત્ર 15 દિવસમાં 4 બાઇકની ચોરી કરીઃ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્‍સો

પોલીસે 2 બાઇક, રિક્ષા, છોટા હાથી સહિત 2.38 લાખનો મુદ્દામાલ જપ્‍ત

સુરત: સુરતમાં એક પછી એક એવા ક્રાઈમ થઈ રહ્યા છે કે જાણીને પોલીસ પણ મોઢામાં આંગળા મૂકી જાય છે. 12 વર્ષના એક ટેણિયાને તેના પિતાએ બાઈક ન લઈ આપતા તેણે મોજશોખ માટે એવો રસ્તો અપનાવ્યો કે માતાપિતા પણ ચોંકી ઉઠ્યા. તેણે મોજશોખ માટે માત્ર 15 દિવસમાં ચાર બાઈકની ચોરી કરી. દરેક માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત પોલીસ દ્વારા ગાડીઓની ચોરીનો પર્દાફાશ કરાયો હતો. જેમાં આરોપીનુ નામ ખૂલતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપી કોઈ રીઢો ગુનેગાર નહિ, પરંતુ 12 વર્ષનો સગીર હતો. ઉમરા પોલીસના પીઆઈ કે.આઈ.મોદીની સૂચનાથી પીએસઆઈ બી.એસ.પરમાર અને પો.કો.ક્રિપાલસિહ માનસીંગએ બાતમીને આધારે 12 વર્ષના સગીરને મગદલ્લા ઓએનજીસી કોલોની પાસેથી ચોરીની રિક્ષા સાથે પકડી પાડયો હતો. પોલીસે બે બાઇકો, રિક્ષા અને છોટા હાથી ટેમ્પો મળી 2.38 લાખનો મુદામાલ કબજે કર્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીર કિશોરનો પરિવાર સુરતમાં જ રહે છે. તેના પિતા એક કંપનીમાં વેલ્ડીંગનું કામ કરે છે. અગાઉ કિશોર સુરતથી ભાગીને મુંબઈ જતો રહ્યો હતો, ત્યારે તેને પરિવાર પરત લઈ આવ્યો હતો. તેના બાદ તેણે પિતા પાસેથી બાઈકની માંગણી કરી હતી. પરંતુ પિતાએ તેની ઈચ્છા પૂરી ન કરતા તે વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. તેણે એક છોટા હાથી ટેમ્પો અને એક રિક્ષા ઉપરાંત બે બાઇકોની ચોરી કરી હતી. માત્ર 15 દિવસમાં તેણે ચાર વાહનોની ચોરી કરી હતી.

ચોરી કરવા પાછળનો હેતુ માત્ર ફરવાનો હતો સગીરનું મન થાય ત્યા સુધી રિક્ષા કે છોટા હાથી ટેમ્પો ચલાવી બાદમાં ગમે ત્યાં વેરાન જગ્યા પર મુકી દેતો હતો. આમ, માત્ર 12 વર્ષનો સગીર આ કામ કરે તે માનવામાં આવતુ ન નથી. ચોરી કરવા સગીર રાતના સમયે નીકળતો હતો. સ્ટીયરીંગ ખુલ્લુ હોય તેવા વાહનોને નિશાન બનાવતો હતો. જેથી તે ગાડીમાં ચાવીની જગ્યાએ પીન કે અન્ય અણીવાળુ સાધન નાઁખીને તેને ડાયરેક્ટ ચાલુ કરી દેતો હતો. 

(6:20 pm IST)