Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

અમદાવાદની નવ હોસ્પિટલોને NOC રિન્યૂ નહીં કરાવતાં ફાયર બ્રિગેડે નોટિસ ફટકારી

સાત દિવસમાં ફાયર એનઓસી રિન્યૂ નહીં કરાવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ગંભીર ઘટના બાદ પણ શહેરની ખાનગી હોસ્પિટલો ફાયર એનઓસીના મુદ્દે જરા પણ ગંભીર હોય તેવું લાગતું નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફાયર બ્રિગેડ ખાતા દ્વારા શહેરની 9 ખાનગી હોસ્પિટલોને અંતિમ નોટિસ ફટકારી છે. આ તમામ હોસ્પિટલોની ફાયર એનઓસી રિન્યૂ કરાવવાની તારીખ પૂર્ણ થઇ ગઇ છે. તમામને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા માટે તાકીદ કરાઇ હતી છતાં તેમણે ફાયર એનઓસી રિન્યૂ કરાવી નથી જેથી મ્યુનિ. તંત્રએ નોટિસ ફટકારી છે. જો સાત દિવસમાં ફાયર એનઓસી રિન્યૂ નહીં કરાવે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેસર્સ એક્ટની અમલવારી શરુ કરી દેવાઇ છે. રાજ્ય સરકારે 2013માં આ કાયદો બનાવ્યો હતો જે પહેલાં નગરપાલિકા વિસ્તારોમાં લાગુ કરાયો હતો પછી અમદાવાદ શહેર સહિત મહાનગરપાલિકા વિસ્તારોમાં લાગૂ કરવામાં આવ્યો છે જે અનુસંધાને અમદાવાદ શહેરની તમામ બિલ્ડીંગોએ નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો લગાડવા અને ફાયર એનઓસી મેળવવી ફરજિયાત છે એકવાર એનઓસી મેળવી લીધાં પછી તેને દર વર્ષે રિન્યૂ કરવાની જવાબદારી પણ જે તે ખાનગી બિલ્ડીંગના સંચાલકની રહે છે.

કોરોનાની મહામારી દરમિયાન ગત ઓગસ્ટ 2020માં નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં આઠ દર્દીઓ જીવતાં ભૂંજાઇ ગયા હતા પછી ગુજરાત હાઇકોર્ટથી લઇ સુપ્રિમ કોર્ટ સુધી હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષાના મુદ્દો ન્યાયિક વિચારણા હેઠળ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને ફાયર એક્ટની અમલવારી માટે કડક આદેશ આપવામાં આવ્યા છે સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં કેટલીય મિલકતોને સીલ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે શહેરની નવ હોસ્પિટલોને ફાયર એનઓસી રિન્યૂ નહીં કરાવતા અંતિમ નોટિસ આપી છે અને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા માટે સાત દિવસની મુદત આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કઇ હોસ્પિટલોને નોટિસ ફટકારી

1. એપોલો પ્રાઇમ આઇ હોસ્પિટલ, બાપુનગર
2. દેવમ હોસ્પિટલ, નારણપુરા
3.માધવ મેટરનીટી હોમ, રાયપુર
4. મેડીકેર હોસ્પિટલ, ઇસનપુર
5. નવોદયા હોસ્પિટલ, ચાંદખેડા
6. ઓરેન્જ નીયોનેટલ, ચાંદખેડા
7. સંઘવી હોસ્પિટલ, પાલડી
8. સ્નેહ ચિલ્ડ્રન હોસ્પિટલ, સેટેલાઇટ
9. સિનેર્જી હોસ્પિટલ, વાસણા

(9:47 pm IST)