Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરાના કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં યુવતી પ્રતિબંધીત ઇ-સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘુમતી જોવા મળીઃ ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવી વાયરલ કર્યો

માતાજીના ગરબામાં પરંપરા લજવતો કિસ્‍સો સામે આવતા લોકોમાં કચવાટ

વડોદરાઃ વડોદરાના કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં યુવતી પ્રતિબંધીત ઇ-સિગારેટના ધુમાડા કાઢતી જોવા મળી હતી. સંસ્‍કારી નગરી વડોદરાને લજવતો કિસ્‍સો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વર્ષે વડોદરામાં નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ત્યારે હવે સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો બન્યો છે. વડોદરાના ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું. જાણીતા ગરબામાં એક યુવતીએ ચાલુ ગરબામા ધુમાડા ઉડાવીને સિગરેટ પીધી. પ્રતિબંધિત ઈ-સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો વીડિયા હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરીને લજવતો કિસ્સો સામે આવતા લોકોએ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે. માતાના ધામમાં, જ્યાં પરંપરા જાળવવા ઉત્સવ ઉજવાય છે ત્યાં કેવી રીતે વ્યસનનુ દૂષણ ઘુસાડી શકાય.

કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ચર્ચાનો વિષય છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વીડિયો છે. જેમાં નવરાત્રિના ગરબામાં ગરબે ઘૂમતી યુવતીએ પ્રતિબંધિત ઈ-સિગારેટ પીધી હતી. ચાલુ ગરબામાં યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા કર્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. અન્ય ખેલૈયાઓએ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

શેર કરવાનું કારણ જણાવ્યું

સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો મુકનારે જણાવ્યું હતું કે, આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય, તેનો વિરોધ કરી આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

ત્યારે આ વીડિયોને કારણે વડોદરા ફરી એકવાર લજવાયું છે. બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. હવેથી આવા તત્વો સામે શી ટીમ પણ કાર્યવાહી કરનાર છે.

(5:57 pm IST)