Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

તહેવારોમાં મીઠાઈનું મોટાપાયે ઉત્પાદન : લોકોએ કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી ? : ખોરાક અને ઔષધ નિયમન તંત્રે આપી સલાહ

જનતાને શુદ્ધ ,સલામત અને પોષણક્ષમ આહાર અપાવવા તંત્ર પ્રયત્નશીલ

અમદાવાદ : કમિશનર , ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદી જણાવે છે કે, જાહેર જનતાને શુધ્ધ, સલામત, પોષણ ક્ષમ આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હંમેશા પ્રયત્નશીલ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં તહેવારો નિમિત્તે મીઠાઈનું ઉત્પાદન તથા વેચાણ બહોળા પ્રમાણમાં થઈ રહેલ છે. જેથી તહેવારો દરમ્યાન લોકોએ તથા વેપારીઓએ નીચે જણાવેલ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે. 

તહેવારો દરમ્યાન લોકોએ ધ્યાનમાં રાખવાના મુદ્દા
1)  ખુબ કલરફુલ દેખાય તેવી મીઠાઈ ખરીદવી નહિ કારણ કે વધુ રંગ આપણા સ્વાસ્થ્યને હાનિકર્તા છે.
2)  જયારે પણ મીઠાઈ ખરીદો ત્યારે તેના પેકીંગ ઉપર અવશ્ય નજર કરાવી અને બેસ્ટ બિફોર ડેટ વીતી ગયેલ હોય તો તેવી મીઠાઈ ખરીદવી નહિ. ઘણા સમયે બેસ્ટ બિફોર ડેટ લખેલી જ નથી હોતી તેવી મીઠાઈ ક્યારેય ના ખરીદવી.
3) પેકીંગ ઉપર ઉત્પાદકનું નામ, સરનામું ચેક કરવું તથા FSSAI નો લાયસન્સ નંબર પણ ચેક કરવો.
4)  વારંવાર તળાયેલા તેલમાં તળાતા ફરસાણ ખરીદવા નહિ.
5)  જો છૂટક મીઠાઈ ખરીદો તો દુકાનદારે જે તાસકમાં મીઠાઈ રાખી છે તેના પર બેસ્ટ બિફોર ડેટ જાહેર કરેલી છે કે કેમ તે ખાસ જોવી.
6)  છાપાના કે રંગીન કાગળમાં ફરસાણ પેક કરેલું હોય તે ક્યારેય ના લેવું.
તહેવારો દરમ્યાન વેપારીઓએ કઈ બાબતની સાવચેતી રાખવી.
1)  તમામ વેપારીઓએ પોતે જે રો મટીરીયલ જેવું કે દૂધ, ઘી, માવો, તેલ, મસાલા વગેરે ખરીદે છે તે ઓથેન્ટિક વેપારી પાસે જ ખરીદવા અને તેની ગુણવત્તા ચકાસી જોવી, અન્યથા રો-મટીરીયલ્સ જ ખરાબ હશે તો તેઓની ફિનિસ્ડ પ્રોડક્ટ્સની ગુણવત્તા ખરાબ થશે અને વેપારીને નુકશાન થશે.
2)  ઘણી વખત તહેવારો દરમિયાન કેટલાક જ્ઞાતિ મંડળો કે શેરી મંડળો દ્વારા મીઠાઈ/ ફરસાણ બનાવીને માંડવામાં વેપાર/વેચાણ કરતુ હોય છે તે લોકોએ પણ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન ફરજીયાત મેળવવાનું રહેશે અન્યથા કાયદાકીય મુશ્કેલી પડી શકે છે.
3)  દરેક વેપારીએ પોતાની પ્રોડક્ટ્સના લેબલ ખાસ ચકાસી જોવા કારણ કે ઘણી વખત સામાન્ય ભૂલ ને કારણે તેઓને દંડના ભોગ બનવું પડતું હોય છે.
4) જે વેપારીઓ છૂટક મીઠાઈનો વેપાર કરે છે તેઓએ તાસક/ટ્રે કે જેમાં મીઠાઈઓ રાખી છે તેના પર બેસ્ટ બીફોર ડેટ અવશ્ય લગાવાની રહે છે.
5) આ તંત્ર દ્વારા આવી નાની મોટી ભૂલો કરતા વેપારીઓ સામે 5000 થી વધુ કેસ કરવામાં આવેલ છે અને તેમાં રૂ. 22 કરોડથી વધુ દંડ વસુલ કરવામાં આવેલ છે જે ફક્ત વેપારીને જ નુકસાન છે. 
  વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા તેહવારોના સમયગાળા દરમ્યાન તા.૩૦/૧૦/૨૦૨૧ સુધી કામગીરી કરેલ (તે કામગીરીના ભાગરૂપે તંત્ર દ્વારા દુરદર્શનના માધ્યમથી “સાવચેતીની દિવાળી” ના શિર્ષક હેઠળ આપણા મુદ્દા આપણી વાત કાર્યક્ર્મમાં તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ લાઇવ પ્રોગ્રામ દ્વારા કમિશ્નર દ્વારા જાગૃતી ફેલાવવામાં આવેલ. ગ્ર્રાહકો, ઉપભોક્તા તેમજ વેપારી મિત્રોએ શું શું તકેદારી રાખવી” તે અંગે જાણકારી આપેલ તેમજ પ્રાઇવેટ ચેનલ દ્વારા તંત્રની ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સના માધ્યમથી પણ લોકજાગૃતી “e Media” દ્વારા કરવામાં આવેલ) સમગ્ર રાજ્યમાં મીઠાઇ, ફરસાણ, દુધ, ઘી તેમજ દુધની બનાવટો વગેરેના  કુલ ૫0૫૪ નમુનાઓ લીધેલ તે પૈકી ૨૫ નમુનાઓ અપ્રમાણીત જાહેર થયેલ છે અન્ય નમુનાઓની તપાસણીની કાર્યવાહી ચાલુ છે. અપ્રમાણીત થયેલ નમુનાઓનાં કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા તપાસ દરમિયાન વેપારીઓને ત્યાંથી કુલ-૧૯,૩૪૦ કિ.ગ્રાનો શંકાસ્પદ જથ્થો મળી આવતા કે જેંની અંદાજીત કિંમત રૂ.૧૭,૯૮,૮૧૯/- થાય છે તે જપ્ત કરવામાં આવેલ તેમજ સ્થળ ઉપર કુલ ૧૫૬૧ કિ.ગ્રા બિનઆરોગ્યપ્રદ સ્થિતીમાં જોવા મળી આવેલ અખાધ્યપદાર્થના જથ્થાનો નાશ કરેલ જેની અંદાજીત કિંમત રૂ.૨,૮૬,૮૯૫/- થાય છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મીઠાઈની ટ્રે ઉપર Best Before/Use by Date દર્શાવવા અંગે કુલ ૯૯૧ પેઢીઓની તપાસ કરવામાં આવેલ તથા હંગામી સ્ટોલ ધારકોને કુલ ૧૪ લાયસન્‍સ/રજીસ્ટ્રેશન આપવામાં આવેલ તથા વારંવાર તળાતા ખાદ્યપદાર્થનું તેલમાં ટોટલ પોલાર કમ્‍પાઉન્‍ડની માત્રામાં વધારો થતો હોય છે તે માટે તંત્ર દ્વારા અવારનવાર ફરસાણના વેપારીઓની મુલાકાત લઈ કુલ ૧૧૯૭ પેઢીઓની તપાસ કરેલ. આમ તંત્ર દ્વારા તહેવારો નિમિત્તે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયેલ છે. 

(7:05 pm IST)