Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ભાજપના ૪૩૦૦ દાવેદારોમાંથી ૧૮૨ પસંદ કરવા પાર્લામેન્ટરી બોર્ડ પ્રારંભ

અમિતભાઇ શાહની હાજરીમાં કમલમ્માં ધમધમાટ : પેનલો બનશે : રાજકોટ માટેની સુનાવણી સાંજે

રાજકોટ તા. ૩ : રાજ્યની ધારાસભાની ચૂંટણી અન્વયે ઉમેદવારો નક્કી કરવા આજથી ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થયો છે. ૧૮૨ બેઠકો માટે ૪૩૦૦ જેટલા દાવેદારોઍ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. આજે નિરીક્ષકો અને સ્થાનિક સંકલન સમિતિઍ સેન્સ લઇ તૈયાર કરેલ અહેવાલ બોર્ડમાં મૂકાશે. જેના આધારે પેનલ નક્કી કરી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આખરી પસંદગી કરશે. રાજકોટ શહેર અને જિલ્લાની બેઠકો માટે આજે સાંજે ૫ વાગ્યે પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી થશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પૂર્વે જે તે શહેર - જિલ્લાની સંકલન સમિતિ મળશે. ઉમેદવાર પસંદગીને લઇને ગાંધીનગરમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

વિધાનસભાની ચૂંટણી લડવા ભાજપના દાવેદારોનો ધસારો રહ્ના છે. ૧૮૨ બેઠકો પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જેમાં કુલ મળીને ૪૩૦૦થી વધુ બાયોડેટા મળ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૧૪૯૦ બાયોડેટા મળ્યા છે. આ જ પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી ૧૧૬૩ દાવેદારોઍ ચૂંટણી લડવા ઇચ્છા વ્યકત કરી છે. મધ્ય ગુજરાતમાંથી ૯૬૨ અને દક્ષિણ ગુજરાતમાંથી ૭૨૫ દાવેદારોઍ દાવેદારી નોંધાવી છે. આજથી કમલમ્માં ચૂંટણી પસંદગી સમિતિની બેઠક મળી છે. જેમાં પ્રભારી સહિત પ્રદેશના નેતાઓ દાવેદારોના નામોને લઇને મંથન કરે છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન આવેલા નામો પૈકી ત્રણ નામોની પેનલ બનાવશે. આ પેનલ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલવામા઼ આવશે. હાઇકમાન્ડ ઉમેદવારના નામની પસંદગી કરી મંજૂરીની મહોર મારશે. તા. ૧૨મી પછી ભાજપના ઉમેદવારોના નામો જાહેર થાય તેવી શક્યતા છે.

વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ૯૯ ધારાસભ્યો ચૂંટાયેલા. ત્યારબાદ ભાજપે પક્ષપલ્ટો કરાવી કોંગીના કેટલાક ધારાસભ્યો ખેડવેલ. હાલ ભાજપ પાસે ૧૧૧ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. કેટલાક ફરી ટીકીટ મેળવે છે અને કેટલા નવાને તક મળે છે ? તે ટુંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.

(11:33 am IST)